ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને બદલો લેવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યા છે.
- Advertisement -
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બુધવારે રમત પૂર્ણ થવા સુધી 5 વિકેટ પર 310 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 99 રનની ભાગીદારી કરી.સતત બીજી ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેમણે 199 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી પૂર્ણ કરી છે. તેઓ શાનદાર ફોર્મમાં નજરે પડી રહ્યા છે. આ ગિલની કેપ્ટન તરીકે બીજી ટેસ્ટ છે અને સતત બીજી સદી છે. જેનાથી તેઓ વિજય હજારે, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોની કતારમાં સામેલ થઈ ગયા છે. ઇંગ્લેન્ડની બોલિંગ: ક્રિસ વોક્સે 2 વિકેટ, શોએબ બશીર, બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સે 1-1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ-11: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), બ્રાયડન કાર્સ, જોશ ટંગ, ક્રિસ વોક્સ અને શોએબ બશીર. ભારતીય ટીમની પ્લેઇંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણા.શુભમન ગિલે બુધવારે એજબેસ્ટન ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો. તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાં સેન્ચુરી ફટકારનાર નવમો વિદેશી કેપ્ટન અને બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ડોન બ્રેડમેન (1938), ગેરી સોબર્સ (1966), મોહમ્મદ અઝહરુદ્દીન (1990) અને હવે ગિલ (2025)નો આ ખાસ ક્લબમાં સમાવેશ થાય છે.
કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો ગિલ
ગિલ હવે કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ, આ સિદ્ધિ વિરાટ કોહલી, વિજય હજારે અને સુનીલ ગાવસ્કરે હાંસલ કરી હતી. આ ઉપરાંત, ગિલ એજબેસ્ટનમાં સેન્ચુરી ફટકારનાર બીજો ભારતીય કેપ્ટન (પ્રથમ વિરાટ કોહલી) અને ત્યાં 50+ રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન (ધોની અને કોહલી સાથે) બન્યો. ગિલે પોતાના શાનદાર પ્રદર્શનમાં વધુ એક રેકોર્ડ ઉમેર્યો. તે ઇંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેના પહેલા, આ સિદ્ધિ વિજય હજારે (1951-52) અને મોહમ્મદ અઝહરુદ્દીન (1990)ને મળી હતી. વિજય હજારેએ 1951-52માં દિલ્હી અને બ્રેબોર્ન ખાતે સેન્ચુરી ફટકારી હતી અને અઝહરુદ્દીને 1990માં લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સેન્ચુરી ફટકારી હતી.
વોક્સે કેએલ રાહુલને બોલ્ડ કર્યો
ભારતીય ટીમે 9મી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. અહીં ઓપનર કેએલ રાહુલ 2 રન બનાવીને આઉટ થયો. તેને ક્રિસ વોક્સે બોલ્ડ કર્યો.