ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
ચોમાસું શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ છતા રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રીને પાર જઇ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં મુંગેશપુરમાં મંગળવારે 49.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે બીજા દિવસે આ જ વિસ્તારમાં તાપમાન વધીને 53 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે ભારતમાં અત્યાર સુધીનું સૌથી ઉંંચુ તાપમાન માનવામાં આવે છે. આ પહેલા રહેણાંકી વિસ્તારોમાં આટલુ ઉંચુ તાપમાન નથી જોવા મળ્યું. દરમિયાન દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.
- Advertisement -
દિલ્હીમાં મે મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડયો હતો, જેને કારણે એસી, કૂલર અને પંખાનો ઉપયોગ વધતા વીજળીની માગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે દિલ્હીમાં વીજળીની માગ 8302 મેગાવોટ રહી હતી જે દિલ્હીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ વીજળીની માગ માનવામાં આવે છે. સતત 12 દિવસથી વીજળીની માગ 7000 મેગાવોટથી વધુ રહી હતી. આ પહેલા 29 જૂન, 2022ના રોજ દિલ્હીમાં 7695 મેગાવોટ વીજળીની માગ રહી હતી. દિલ્હીની આસપાસ ખુલ્લી જમીન વધુ છે, કોઇ મોટી નદી કે પહાડો ન હોવાને કારણે અચાનક જ તાપમાન વધી જાય છે.
દિલ્હીના તાપમાને તમામ રેકોર્ડ તોડયા હતા અને સૌથી વધુ 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વૈશ્ર્વિક તાપમાન પર નજર કરીએ તો અમેરિકાના કેલિફોર્નિયાના ગ્રીનલેન્ડ રાંચમાં 10 જુલાઇ 1913ના રોજ તાપમાન 56.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 100 વર્ષ પહેલા લિબિયામાં એલ અઝિઝિયામાં મહત્તમ 58 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે હવે દિલ્હીમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે. દેશના અન્ય વિસ્તારો જેમ કે રાજસ્થાનના ફાલોદીમાં 51, હરિયાણાના સિરસામાં 50.3, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડયા તેના થોડા જ કલાકોમાં બપોર પછી જરમર વરસાદ પડયો હતો. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
એક તરફ ઉત્તરમાં દિલ્હીમાં ભિષણ ગરમી પડી હતી ત્યારે બીજી તરફ દક્ષિણમાં કેરળમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડયો હતો. કોચી અને કોલ્લમમાં ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે કેરળના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જોકે આ પ્રિ મોન્સૂન વરસાદ છે, આગામી બેથી ત્રણ દિવસમાં કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂૂઆત થઇ જશે જે બાદ તે ઉત્તર-પશ્ર્ચિમ અને પૂર્વ તરફ આગળ વધશે.
- Advertisement -
વિશ્વ ધીમે ધીમે નર્ક બની રહ્યું હોવાની ચેતવણી
છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં તાપમાનમાં સતત વધારો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે ગયા વર્ષે જુલાઇમાં ઇરાનના એરપોર્ટ પર હીટ ઇન્ડેક્સ 66 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. વિશ્ર્વના વિવિધ દેશોમાં જોવા મળી રહેલા આ અસામાન્ય ઉંચા તાપમાનને કારણે પર્યાવરણવિદોની ચિંતા વધી ગઇ છે. હીટ ઇન્ડેક્સ અથવા તાપ સૂચક આંક માનવ શરીર દ્વારા અનુભવવામાં તાપમાનનું માપ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યારે હીટ ઇન્ડેક્સ 66 ડિગ્રીએ પહોંચી જાય તો તે માનવજીવન માટે ખતરોે બની જાય છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે જો તાપમાન 40 ડિગ્રી હોય અને તેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 65 ટકા હોય ત્યારે 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તેવો અનુભવ થાય છે. આ સ્થિતિમાં જો માનવી પૂરતા પ્રમાણમાં પાણી ન પીવે તો તે ડિહાઇડ્રેશનનો શિકાર બને છ અને લોહી જાડું થવા માગે છે. જેના કારણે હૃદય રોગ અને સ્ટ્રોકના હુમલાનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં વૃદ્ધ લોકોને સૌથી વધુ કાળજી રાખવાની જરૂૂર હોય છે.
દેશના ટોચના 10 સૌથી ગરમ સ્થળો
સ્થળો તાપમાન (ડિગ્રી)
મુંગેશપુર (દિલ્હી) 52.9
ફાલોદી (રાજસ્થાન) 51
સિરસા (હરિયાણા) 50.3
ગ્વાલિયર (મધ્ય પ્રદેશ) 48
નારેલા (દિલ્હી) 47.9
રોહતક (હરિયાણા) 47.7
ચુરુ (રાજસ્થાન) 47.4
બિકાનેર (રાજસ્થાન) 47
જગદીશપુર (હરિયાણા) 46.5
શ્રી ગંગાનગર (રાજસ્થાન) 46