કાર્લસે પહેલા કહ્યું હતું- ‘મને કોઈ હરાવી શકે નહીં’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
ભારતીય વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ (વલ્ર્ડ નંબર-5)એ નોર્વે ચેસ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો. આ ગુકેશની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે પહેલી જીત છે. આ જીત સાથે 19 વર્ષના ગુકેશ નોર્વે ચેસ 2025ના પોઇન્ટ્સ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે, જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર છે.
- Advertisement -
હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસનાં મોહરાં વિખેરાઈ ગયાં. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો.
ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આ બંને વચ્ચે જ રમાયો હતો. એ મેચમાં પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને ગુકેશને હરાવી દીધો હતો.ગયા વર્ષે બુડાપેસ્ટમાં 10થી 23 સપ્ટેમ્બર દરમિયાન ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ચેમ્પિયન બન્યું. ઓપન કેટેગરીમાં ગુકેશે અંતિમ રમત જીતીને ભારતને જીત અપાવી.
ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એ ચેસનાં ફોર્મેટ છે. ક્લાસિકલ ગેમમાં ખેલાડીઓને વિચારવા અને વ્યૂહરચના બનાવવા માટે મહત્તમ સમય આપવામાં આવે છે. એને ચેસનું સૌથી પરંપરાગત અને ગંભીર ફોર્મેટ માનવામાં આવે છે. આ સામાન્ય રીતે દરેક ખેલાડીને 90થી 120 મિનિટ આપે છે અને ઘણીવાર 40 ચાલ પછી વધારાનો સમય મળે છે. જ્યારે રેપિડમાં આપેલો સમય 60 મિનિટથી ઓછો છે અને બ્લિટ્ઝમાં આપેલો સમય 10 મિનિટ કે તેથી ઓછો છે.
કાર્લસને ગુકેશની રમત પર સવાલ પણ ઉઠાવ્યો હતો
આ પહેલા ગુકેશના વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી કાર્લસને કહ્યું હતું ‘હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમતો નથી, ત્યાં મને હરાવી શકે તેવું કોઈ નથી.’ જવાબમાં ગુકેશે કહ્યું હતું, ‘મને તક મળશે તો હું તેની સામે ચેસમાં મારી જાતને પારખી લઈશ’
ડી ગુકેશ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન
ગુકેશે ડિસેમ્બરમાં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ડિંગ લિરેનને 7.5-6.5 થી હરાવીને જીત મેળવી હતી. ગુકેશ 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર વર્લ્ડનો પ્રથમ ખેલાડી છે. આ પહેલાં 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો. ગુકેશે 14મી ગેમમાં ચીની ખેલાડીને હરાવીને આ ટાઇટલ જીત્યું. ચેમ્પિયનશિપ ફાઇનલ 25 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી, જેમાં 11 ડિસેમ્બર સુધી બંને ટીમો વચ્ચે 13 રમત રમાઈ હતી.