બેઠાડું જીવન, તણાવ અને અનિયમિત ઊંઘ મુખ્ય કારણો; 30 વર્ષથી વધુના સૌએ નિયમિત ટેસ્ટ કરાવવા નિષ્ણાતોનો આગ્રહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે વોકહાર્ટ હોસ્પિટલ્સના સિનીયર તબીબી નિષ્ણાતો ડો. ચિરાગ માત્રાવડિયા, ડો. ભૂમિ દવે અને ડો. દિલીપ વ્યાસે દેશમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે જે રોગ પહેલાં વૃદ્ધોને થતો હતો, તે હવે વીસ અને ત્રીસ વર્ષના યુવાનોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના મુખ્ય કારણો બેઠાડું જીવન, અતિશય કેલરીયુક્ત આહાર અને તણાવ છે. આ પરિસ્થિતિને કારણે ભારત આજે વિશ્વના ડાયાબિટીસનું મુખ્ય મથક તરીકે ઓળખાય છે. નિષ્ણાતોએ ચેતવણી આપી કે ડાયાબિટીસ માત્ર બ્લડ શુગરનો રોગ નથી, પરંતુ તે ધીમે ધીમે હૃદય, કિડની અને આંખોને અસર કરી હાર્ટ એટેક કે કિડની ફેલ્યોર તરફ દોરી જાય છે. થાક, વધુ પડતી તરસ કે વજનમાં અસ્પષ્ટ ફેરફાર જેવા સંકેતોને અવગણવા ન જોઈએ. 30 વર્ષથી વધુ ઉંમરના દરેક વયસ્કે નિયમિત બ્લડ શુગર અને ઇંબઅ1ભ ટેસ્ટ કરાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. નિવારણ માટે રોજ 30 મિનિટ કસરત, સંતુલિત આહાર અને તણાવ નિયંત્રણ અપનાવવું જરૂરી છે. ડોક્ટરોએ દર્દીઓને ’સારું લાગે’ ત્યારે દવા બંધ ન કરવા અને ડાયાબિટીસને હળવાશથી ન લેવાની અપીલ કરી છે.



