3 મેચની શ્રેણી 1 – 1થી સરભર
ભારતે આપેલો 285 રનનો લક્ષ્યાંક ન્યુઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો
- Advertisement -
સીરિઝની છેલ્લી મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર મેદાન પર રમાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે ન્યુઝીલેન્ડ સામેના મેચમાં ભારતની હાર થઇ હતી. ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 285 રન કરવાનો આપેલો ટાર્ગેટ ન્યુઝીલેન્ડે 47.3 ઓવરમાં પાર કરી લીધો હતો. ભારતીય ખેલાડી કે.એલ.રાહુલે ફટકારેલી સદી ઉપયોગમાં આવી ન હતી. આ સાથે ત્રણ મેચની શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ હતી. મકરસંક્રાંતિનો પતંગ પર્વ હોવા છતાં હકડેઠઠ સ્ટેડીયમમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ લેવા મેદાનમાં ઉતાર્યુ હતું. ધીમી શરૂઆત બાદ ગીલની આક્રમક અડધી સદી તથા કે.એલ.રાહુલની અણનમ સદીની મદદથી ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. 285 રનના ટાર્ગેટ સાથે મેદાને ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની બે વિકેટો સસ્તામાં પડી ગઇ હતી. પરંતુ ત્યારબાદ ડેરીલ મિચેલ અને યંગે શાનદાર રમત રમીને ભારતના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. ડેરીલ મિચેલે આક્રમક અણનમ 131 રન અને યંગે 87 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ઇનિંગમાં હજુ 15 બોલ બાકી હતા તે પૂર્વે જ ન્યુઝીલેન્ડે જીત હાંસલ કરી લીધી હતી. અણનમ 131 રન બનાવનાર અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેરીલ મિચેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણી છે. વડોદરા ખાતે પ્રથમ મેચ ભારતે જીત્યો હતો. જ્યારે ગઇકાલના રાજકોટ મેચમાં ભારતનો પરાજય થતા હવે શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ છે. શ્રેણીનો અંતિમ મેચ હવે આગામી તા.18મીએ ઇન્દોર ખાતે રમાવાનો છે જે નિર્ણાયક સાબિત થશે. મહત્વની વાત એ છે કે ભારત ન્યુઝીલેન્ડ સામે સતત આઠ વન-ડે જીત બાદ મુકાબલો હાર્યુ છે. હવે આગામી ત્રીજો મેચ નિર્ણાયક બનશે. ભારતની હારના કારણોમાં ખરાબ ફિલ્ડીંગ મુખ્ય મનાય છે. ભારતીય ખેલાડીઓએ 3 કેસ ગુમાવ્યા હતા અને એક સ્ટમ્પીંગનો ચાન્સ પણ ગુમાવ્યો હતો. કેપ્ટન શુભમન ગીલે ખુદ તેનો સ્વીકાર કર્યો હતો. આવતા મહિનાથી વર્લ્ડકપ શરૂ થવાનો છે તે પૂર્વે ખરાબ ફિલ્ડીંગ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. રાજકોટના મેદાનમાં 2020થી ભારત એક પણ મેચ જીત્યુ નથી. ગઇકાલે વધુ એક પરાજયનો સામનો કરવો પડયો હતો.



