કુવૈત સામે થશે ટક્કર
ભારત અને કુવૈત વચ્ચે રમાયેલી ગ્રુપ મેચ 1-1થી ડ્રો થઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ટરકોન્ટીનેન્ટલ કપ જીત્યા બાદ ભારતીય ફુટબોલ ટીમ આજે સતત બીજું ટાઈટલ જીતવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ સૈફ ચેમ્પિયનશીપ જીતવા માટે ફાઈનલમાં કુવૈતની મજબુતનો સામનો કરશે. ભારત અને કુવૈત વચ્ચે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરાવ સ્ટેડિયમ ખાતે રમાશે. બેંગ્લોરમાં રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા લેબનાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2 પરાજિત કરી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કુવૈત ભલે ફીફા રેન્કિંગમાં ભારતથી પાછળ હોય પરંતુ તેમની રમતનું સ્તર ભારતના રમત સ્તર જેટલું જ છે. થોડા દિવસો પહેલા ભારત અને કુવૈત વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રો થઇ હતી.
- Advertisement -
એક પણ મેચ નથી હાર્યું ભારત
ભારતીય ટીમ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. આ પહેલા જયારે આ ટુર્નામેન્ટમાં ભારત અને કુવૈતની ટીમ વચ્ચે ટક્કર થઇ હતી ત્યારે મેચ 1-1ના સ્કોરે બરાબરી પર સમાપ્ત થઇ હતી. કુવૈત પહેલા ભારતીય ટીમે નેપાળને હરાવ્યું હતું. નેપાળ વિરુદ્ધ કેપ્ટન સુનીલ છેત્રી અને મહેશ સિંહે ગોલ કર્યા હતા.
ભારતીય ટીમ 8 વખત બની ચુકી છે ચેમ્પિયન
ભારત 13મી વખત આ ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચ્યું છે. ભારત સૌથી વધુ 8 વખત ચેમ્પિયન બન્યું છે. આ ઉપરાંત 4 વખત ભારતીય ટીમ રનર્સ અપ રહી છે. સુનીલ છેત્રીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમની નજર 9મી વખત ચેમ્પિયન બનવા પર રહેશે.