વૈશ્ર્વિક દ્રષ્ટિએ ટ્રમ્પની છબી ખરડાઈ : 80%ને અમેરિકી પ્રમુખ અહંકારી અને ખતરનાક લાગ્યા : પ્યુ રિસર્ચના રિપોર્ટમાં દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
અમેરિકામાં 2024માં થયેલા પ્રેસિડેન્શિયલ ઈલેક્શન વખતે ઈન્ડિયન્સનો ઝુકાવ મોટાભાગે ટ્રમ્પ તરફ રહ્યો હતો, ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન માસ ડિપોર્ટેશનની વાતો કરી હતી અને સત્તા સંભાળતા જ તેમણે ડિપોર્ટેશનના નામે તડાફડી બોલાવવા ઉપરાંત દરેક પ્રકારના વિઝા ઈશ્યૂ કરવાના ધારાધોરણો પણ ખૂબ જ કડક બનાવી દીધા છે, જેના કારણે ઈન્ડિયન્સ પણ પ્રભાવિત થયા છે.
આટલું ઓછું હોય તેમ ટ્રમ્પના રાજમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સની મુસીબત વધી ગઈ હોવાની પણ ફરિયાદો થઈ રહી છે પરંતુ તેમ છતાંય ઈન્ડિયન્સ હજુય ટ્રમ્પની પડખે હોય તેવું લાગી રહ્યું છે.
માત્ર અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સ નહીં પરંતુ જે લોકો ઈન્ડિયામાં જ છે તેમને પણ ટ્રમ્પ પર ઘણો વિશ્વાસ હોવાનું પ્યૂ રિસર્ચના એક સર્વેમાં જાણવા મળ્યું છે. જોકે, વોશિંગ્ટન સ્થિત આ થિંક ટેન્કે જે 24 દેશોમાં સર્વે કર્યો હતો તેમાંથી 15 દેશોના લોકોમાં અમેરિકા વિશેના સકારાત્મક વિચારો બદલાયા હોવાનું જાણવા મળ્યું હતું.સર્વેમાં એ વાત પણ સામે આવી હતી કે, ઈન્ડિયા સહિતના છ દેશોમાં અમેરિકા વિશેના વિચારોમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો જ્યારે ઈઝરાયલ, નાઈજિરિયા અને તુર્કીમાં અમેરિકા વિશેની ધારણાઓ વધુ સકારાત્મક થઈ છે.
સર્વેમાં આવરી લેવાયેલા દેશોમાં વર્લ્ડ લીડર તરીકે ટ્રમ્પ પર સરેરાશ 34 ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે સરેરાશ 62 ટકા લોકોએ પોતાને ટ્રમ્પ પર ભરોસો ના હોવાનું જણાવ્યું હતું. જોકે, ઈન્ડિયામાં 52 ટકા લોકોએ ટ્રમ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે 23 ટકાએ ટ્રમ્પને વર્લ્ડ લીડર માનવાનો ઈનકાર કરી દીધો હતો. પ્યૂ રિસર્ચના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં 54 ટકા હિંદુઓ જ્યારે 39 ટકા મુસ્લિમો ટ્રમ્પમાં વિશ્વાસ ધરાવે છે, તેમજ ઈન્ડિયા સિવાય કેન્યા અને નાઈજિરિયાના અડધોઅડધ લોકોએ ટ્રમ્પને એક પ્રામાણિક નેતા ગણાવ્યા હતા.
જોકે, મહત્વની વાત એ પણ છે કે આ સર્વેમાં ભાગ લેનારા 80 ટકા લોકોએ ટ્રમ્પ ’અહંકારી’ હોવાનું જણાવ્યું હતું જ્યારે 65 ટકાએ તેમને ’ખતરનાક’ માન્યા હતા. જોકે, અમેરિકામાં ઈલીગલી રહેતા ગુજરાતીઓની રાતોની ઉંઘ ટ્રમ્પના કારણે હરામ થઈ ગઈ છે. ડિપોર્ટેશનના ડરને કારણે મોટાભાગનાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ડરના માહોલમાં જીવી રહ્યા છે અને જેમની પાસે જજગ તેમજ વર્ક પરમિટ છે તે પણ કોઈ મામલામાં ભૂલેચૂકે પણ પોલીસના હાથમાં ના આવી જવાય તે વા તનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે.