સૌજન્ય : ઑપઇન્ડિયા, ગુજરાતી
વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ ભલે ગમે તે હોય, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા એકદમ સારી સ્થિતિમાં છે એવું વિદેશી એજન્સીઓનું કહેવું છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં આ જ બાબત જણાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે, 2024માં ભારતની અર્થવ્યવસ્થા 7.2%ના દરે આગળ વધતી રહેશે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા શુક્રવારેએક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં આ વિકાસદરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે 2025 અને 2026માં પણ અનુક્રમે 6.6% અને 6.5% ગ્રોથ રેટ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, મેક્રોઇકોનોમિક દ્રષ્ટિકોણથી જોતાં ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે, જ્યાં સોલિડ ગ્રોથ પણ દેખાય રહ્યો છે અને ફુગાવો પણ નિયંત્રણમાં છે. 2024માં અમે 7.2% ગ્રોથનું અનુમાન લગાવી રહ્યા છીએ. એજન્સીએ જણાવ્યું કે, ભારતમાં હજુ ઘરેલુ વપરાશ વધવાની સંભાવના છે, વધુમાં તહેવારોની સિઝનના કારણે ખર્ચમાં વૃદ્ધિ તેમજ વધુ સારા કૃષિ પરિદ્રશ્યના કારણે રૂરલ ડિમાન્ડમાં પણ નિરંતર વૃદ્ધિ જોવા મળી રહી છે.