ભારત વિરોધી ગતિવિધિઓને લઈને કેનેડામાં હેટક્રાઈમ વધી શકે છે: વિદેશ મંત્રાલય
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય. કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઈમ વધી શકે છે. માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ. કેનેડા અને ભારતના વણસતાં સંબંધો વચ્ચે બંને દેશના રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપી દેવાયા છે. કારણ કે કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પોષણ મળી રહ્યું છે અને ભારત વિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે. દરમિયાન કેનેડાએ ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવતાં બંને દેશ વચ્ચે કડવાશ વધી છે. કેનેડામાં લાખો ભારતીયો રહે છે અને સ્ટુડન્ટ પણ ત્યાં રહીને ભણે છે. ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે હવે શું થાશે, તે મુંઝવતો સવાલ ઘૂમરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી અને ચેતીને રહેવું જોઈએ. કેનેડામાં ભારતીયો પ્રત્યે હેઈટ ક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે તેથી સતર્કતાથી રહેવું જરૂરી બની જાય છે.