ખાસ-ખબર સંવાદદાતા
50 વર્ષીય ભારતીય મૂળના એટર્ની અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના પૂર્વ ઉમેદવારની ભારતમાં આવેલી કંપની સાથે 50 લાખ ડોલરથી વધુની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર ભારતીય મૂળના એટર્ની પર કલાયન્ટ ફંડનો ઉપયોગ વ્યકિત ખર્ચ માટે કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઉત્તર એંડોવરના અભિજિત દાસ ઉર્ફે બીજની ગત સપ્તાહમાં બોસ્ટનમાં એક ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 20 જૂને દોષિત ઠેરવવામાં આવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પોતાના ગ્રાહકોના ખાતામાંથી અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરી તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રતિનિધિ મંડળના પૂર્વ ઉમેદવાર દાસની જૂન 2021માં ફેડરલ ઇલેક્શન કમ્પેઇન એક્ટનો ભંગ કરી અને ખોટું નિવેદન જારી કરવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. દાસે એસ્ક્રો ફંડમાં 50 લાખ ડોલરથી વધુની રકમ પોતાના ગ્રાહકોના ખાતાઓમાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી.