-કોહલી 87 અને જાડેજા 36 રન બનાવી રમતમાં; બન્ને વચ્ચે 106 રનની ભાગીદારી
-રોહિત (80 રન)-યશસ્વી (57 રન)એ પહેલી વિકેટ માટે 139 રન બનાવી ટીમને આપી મજબૂત શરૂઆત
- Advertisement -
ભારત-વિન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ મુકાબલો પોર્ટ ઑફ સ્પેનમાં રમાઈ રહ્યો છે. મેચના પહેલાં દિવસે ભારતે ચાર વિકેટના નુકસાન પર 288 રન બનાવી લીધા છે. ક્રિઝ પર વિરાટ કોહલી (અણનમ 87 રન)ની સાથે રવીન્દ્ર જાડેજા (અણનમ 36) રમતના અંત સુધી અડીખમ રહ્યા હતા. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં 106 રનની ભાગીદારી થઈ ગઈ છે.
કોહલી-જાડેજા ઉપરાંત રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ ફિફટી ફટકારી છે. રોહિતે 80 તો યશસ્વીએ 57 રનની શાનદાર ઈનિંગ રમી છે. બન્ને વચ્ચે આ દરમિયાન પહેલી વિકેટ માટે 139 રનની ભાગીદારી નોંધાઈ છે.
એક સમયે રોહિત-યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝના બોલરોને વિકેટ માટે રીતસરના તરસાવ્યા હતા. બન્નેએ 31.4 ઓવરમાં પહેલી વિકેટ માટે 139 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે ત્યારપછી યશસ્વી 57 રન બનાવીને હોલ્ડરની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 74 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યા હતા. તેના પછી બેટિંગમાં ઉતરેલો શુભમન ગીલ ફ્લોપ રહ્યો હતો અને 10 રન બનાવી કેમાર રોચની બોલિંગમાં આઉટ થયો હતો.
- Advertisement -
આ વેળાએ ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 153 રન થયો હતો. ગીલ બાદ રહાણે પણ આઠ રન બનાવી ચાલતો બની જતાં ટીમ મુશ્કેલીમાં મુકાશે તેવું લાગી રહ્યું હતું. જો કે ત્યારબાદ કોહલી અને જાડેજાએ બાજી સંભાળી લઈ સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું.
આ પહેલાં પ્રથમ ટેસ્ટમાં સદી બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા સળંગ બીજી સદી બનાવતા ચૂકી ગયો હતો. તેને જોમેલ વૈરિકેને80 રનના વ્યક્તિગત સ્કોરે બોલ્ડ કર્યો હતો. રોહિતે 143 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. આ પહેલાં વિન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જો કે તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો.