રાજકીય ખટાશ છતાં ઉર્જા ક્ષેત્રે ભારત પર નિર્ભર બાંગ્લાદેશ: 130 કિમી લાંબી ‘મૈત્રી પાઈપલાઈન’ દ્વારા આસામથી પહોંચાડવામાં આવશે જથ્થો
119 મિલિયનનો ‘ડીઝલ ડિપ્લોમેસી’ સોદો: બાંગ્લાદેશની ઊર્જા સુરક્ષા માટે ભારત અનિવાર્ય: 83.22 ડોલર પ્રતિ બેરલના ભાવે ભારત તેલ પૂરૂં પાડશે; ઢાકામાં લેવાયો મહત્વનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.08
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીમા વિવાદ અને લઘુમતીઓ પરના હુમલા જેવા ગંભીર મુદ્દાઓને કારણે રાજકીય સંબંધોમાં તણાવ હોવા છતાં, ઉર્જા ક્ષેત્રે બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો યથાવત રહ્યા છે. વર્ષ 2026 માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશને ભારતની સરકારી તેલ કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ પાસેથી 1,80,000 મેટ્રિક ટન ડીઝલ આયાત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
119 મિલિયન ડોલરનો મોટો સોદો: ઢાકામાં મળેલી સરકારી ખરીદ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, આ સોદાનો અંદાજિત ખર્ચ આશરે 119.13 મિલિયન ડોલર નક્કી કરવામાં આવ્યો છે. આ સોદો 83.22 ડોલર પ્રતિ બેરલની બેઝ પ્રાઈસ પર 5.50 ડોલરના પ્રીમિયમ સાથે નક્કી થયો છે. આ આયાત અગાઉની સરકાર દ્વારા કરવામાં આવેલા 15 વર્ષના લાંબા ગાળાના કરાર હેઠળ કરવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે વ્યૂહાત્મક જરૂરિયાતો રાજકીય તણાવ કરતા પણ વધુ મહત્વની હોય છે.
ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન: આ ઉર્જા સહયોગને સફળ બનાવવા માટે ’ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન’ મહત્વની ભૂમિકા ભજવશે. આસામ સ્થિત રિફાઇનરીમાંથી ડીઝલને પ્રથમ સિલીગુડી લાવવામાં આવશે અને ત્યાંથી આ પાઇપલાઇન દ્વારા સીધું બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે. વર્ષ 2022-23માં શરૂ થયેલી આ ટેકનોલોજીને કારણે અગાઉ રેલવે વેગન દ્વારા થતી આયાતની તુલનામાં હવે સમય અને પરિવહન ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થઈ રહી છે.
નિષ્ણાતોના મતે, બાંગ્લાદેશ માટે ભારત પાસેથી ઉર્જા મેળવવી તે આર્થિક દ્રષ્ટિએ અનિવાર્ય છે. આ સોદો સાબિત કરે છે કે રાજકીય મતભેદો હોવા છતાં ભારત પાડોશી દેશ માટે એક વિશ્વસનીય ઉર્જા ભાગીદાર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યું છે.



