ભારતની યજમાનીમાં હૉકી-ક્રિકેટ ઉપરાંત વિમેન્સ વર્લ્ડ બૉક્સિગં અને એશિયન રેસલિંગની મેજર ટૂર્નામેન્ટનું આયોજન: આ જ વર્ષે પાકિસ્તાનમાં રમાશે એશિયા કપ
નવું વર્ષ શરૂ થવા આડે હવે ત્રણ દિવસનો સમય બાકી રહ્યો છે. 2022માં જ્યાં કૉમનવેલ્થ ગેમ્સ, ફીફા વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ જેવી મેજર ટૂર્નામેન્ટસ રમાઈ તેવી જ રીતે 2023 પણ રમતપ્રેમીઓ માટે અનેક વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ટૂર્નામેન્ટ લઈને આવશે.
- Advertisement -
આમાં પહેલીવાર વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપ અને વિમેન્સ આઈપીએલ પણ સામેલ છે. જ્યારે ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ, હૉકી વર્લ્ડકપ, વર્લ્ડ બૉક્સિગં અને શૂટિંગ વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટની મેજબાની કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) 2023માં પહેલીવાર વિમેન્સ આઈપીએલ રમાડવા જઈ રહ્યું છે. 2018થી વિમેન્સ આઈપીએલના નામે ચેલેન્જર્સ ટ્રોફી જરૂર રમાઈ રહી છે પરંતુ તેમાં માત્ર ચાર જ મેચ રમાતી હોવાથી ખેલાડીઓને વધુ તક મળી રહી નહોતી. જો કે આ વખતે પાંચ ટીમો વચ્ચે આઈપીએલ રમાશે જે 5થી 26 માર્ચ વચ્ચે પ્રસ્તાવિત છે. આ ટૂર્નામેન્ટમાં 25થી વધુ મેચ રમાશે જેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) પહેલીવાર વિમેન્સ અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપ આયોજિત કરવા જઈ રહ્યું છે. ટી-20 ફોર્મેટનો આ વર્લ્ડકપ 14થી 29 જાન્યુઆરી વચ્ચે આફ્રિકામાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે કુલ 41 મેચ રમાશે જેમાં ભારતીય ટીમની કમાન શેફાલી વર્મા સંભાળશે.
- Advertisement -
દરમિયાન ભારત આ વર્ષે અલગ-અલગ ચાર મોટી વર્લ્ડ ટૂર્નામેન્ટ અને એક એશિયન ચેમ્પિયનશિપની મેજબાની કરશે. જાન્યુઆરીમાં હૉકી વર્લ્ડ કપ, માર્ચમાં વિમેન્સ વર્લ્ડ બૉક્સિગં, ઑગસ્ટમાં શૂટિંગ વર્લ્ડકપ અને ઑક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાશે. જ્યારે માર્ચ-એપ્રિલ દરમિયાન એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ પણ રમાશે.