ગુજરાતમાં હોટલથી માંડીને સ્પોર્ટસ કોમ્પ્લેકસ સુધીનું તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર મોજૂદ : રાજ્ય સરકારને પણ પૂરતો રસ
ખાસ-ખબર સંવાદદાતા
આર્થિકથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વિકાસ સાધી રહેલ ભારત રમતગમતમાં પણ નામના મેળવી રહ્યું છે ત્યારે હવે 2036ના ઓલિમ્પીક રમતોત્સવ માટે દાવેદારી કરવાની તૈયારી છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પીક કમિટીની બેઠકમાં રોડમેપ રજૂ કરવામાં આવશે. ઓલિમ્પીકની યજમાની અમદાવાદ-ગુજરાતને સોંપાવાની તૈયારી છે.
કેન્દ્રના રમતગમત ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય ઓલિમ્પીક એસોસિએશને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પીકની યજમાનીનો દાવો કરવા સૂચવ્યું છે અને સરકારે તેનો સ્વીકાર કર્યો છે.
અમદાવાદમાં વર્લ્ડ ક્લાસનું રમતગમત ઇન્ફ્રાસ્ટ્રકચર છે અને તેના આધારે અમદાવાદને ઓલિમ્પીકની યજમાની સોંપાય શકે છે. આ પૂર્વે ભારતે છેલ્લે 1982માં એશિયન ગેઇમ્સ તથા 2010માં કોમન વેલ્થ ગેઇમ્સની યજમાની કરી હતી. તેઓેએ કહ્યું કે ભારત જી-20 સંમેલનની મોટાપાયે યજમાની કરી શકતુ હોય તો વિશ્વાસ છે કે ઓલિમ્પીક પણ યોજી શકે છે. ઓલિમ્પીકના 2032 સુધીના સ્લોટ અગાઉથી નક્કી થયા છે. પરંતુ 2036ની યજમાની મળવાનો આશાવાદ છે. આ માટે ભારત સંપૂર્ણ તૈયાર છે અને 2036ના ઓલિમ્પીક માટે દાવો રજૂ કરશે.