ભારતના યુએન રાજદૂત પી હરીશે જણાવ્યું હતું કે નવી દિલ્હી યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે, સંવાદ, માનવતાવાદી સહાય અને ગ્લોબલ સાઉથની ચિંતાઓને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું કે, ભારત યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત છે. અમે માનીએ છીએ કે, નિર્દોષ લોકોની હત્યા સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે આવશે નહીં. આથી યુક્રેન યુદ્ધનો અંત તમામ માટે હિતકારક છે.
- Advertisement -
સંવાદ અને વ્યૂહનીતિ જ શાંતિનો માર્ગ
પર્વથનેનીએ જણાવ્યું કે, ભારતે હંમેશા કહ્યું છે કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને વ્યૂહનીતિ છે. ભલે આ માર્ગ કઠિન હોય પણ આ દિશામાં તમામ પક્ષોની સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા કાયમી શાંતિ લાવી શકે છે. યુક્રેન યુદ્ધમાં શાંતિ લાવવા માટે સકારાત્મક પ્રયાસોને આવકારીએ છીએ. અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે યોજાયેલી શિખર બેઠકનું સમર્થન કરીએ છીએ. યુક્રેનના પ્રમુખ સાથે પણ ટ્રમ્પની મુલાકાત અને વાતચીત મહત્ત્વપૂર્ણ છે.
પીએમ મોદી રશિયા-યુક્રેનના સંપર્કમાં
- Advertisement -
આગળ ભારતે કહ્યું કે, આ બદલાતી સ્થિતિ પર નજર રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સહિત યુરોપિયન નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. અમને વિશ્વાસ છે કે, આ તમામ વ્યૂહનીતિ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે અને એક કાયમી શાંતિની સ્થાપના કરશે.
ગ્લોબલ સાઉથ પર સૌથી ખરાબ અસર
ભારતે વધુમાં જણાવ્યું કે, અમને દુઃખ છે કે, આ યુદ્ધના માઠા પરિણામ જેમ કે, ક્રૂડના ભાવોમાં વૃદ્ધિથી સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પ્રભાવિત થયા છે. જ્યાં સૌથી ખરાબ અસર થઈ છે. આ દેશોના અવાજ પણ સાંભળવા જોઈએ અને તેમની ગંભીર સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ.
ભારતનો પ્રયાસ માનવીય
ભારતનો યુક્રેન યુદ્ધ પર દ્રષ્ટિકોણ માનવતા-કેન્દ્રિત રહ્યો છે. અમે યુક્રેનને માનવીય સહાયતા પ્રદાન કરી છે. ગ્લોબલ સાઉથના મિત્ર દેશોને આર્થિક સમર્થન આપ્યું છે. અમારા અમુક પડોશી દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જેમને પણ સહાયતા પ્રદાન કરી છે. ભારતે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો તાત્કાલિક ધોરણે અંત આપણા સૌના હિતમાં છે. વડાપ્રધાન મોદી અનેક વખત કહી ચૂક્યા છે કે, આ યુદ્ધનો યુગ નથી.