ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.2
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો કે ભારતે હવે અમેરિકા પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. ભારત સાથેના વેપાર સંબંધોને “એકતરફી” ગણાવતાં તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકાને ઘણો માલ વેચે છે, પરંતુ અમેરિકા ભારતને ખૂબ ઓછો માલ વેચે છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે ભારતે અમેરિકન માલ પર ખૂબ ઊંચા ટેરિફ લાદ્યા છે, જેના કારણે અમેરિકન કંપનીઓ માટે ભારતમાં માલ વેચવાનું મુશ્ર્કેલ બન્યું છે. આ એક સંપૂર્ણ એકતરફી આપત્તિ રહી છે! તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત તેના મોટા ભાગનું તેલ અને લશ્ર્કરી સાધનો રશિયા પાસેથી ખરીદે છે, અમેરિકા પાસેથી નહીં. ટ્રમ્પે આને વર્ષો જૂની સમસ્યા ગણાવી. ભારતે પહેલાં જ ટેરિફ ઘટાડવો જોઈતો હતો. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા કલાકો પહેલાં જ વડાપ્રધાન મોદી ચીનમાં જઈઘ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બીજી તરફ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું હતું કે આ 21મી સદીની સૌથી ખાસ ભાગીદારી છે. આ મહિને બંને દેશો તેમના લોકો, પ્રગતિ અને નવી શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નવી ટેકનોલોજી, વ્યવસાય, સંરક્ષણ અને પરસ્પર સંબંધો સાથે આ મિત્રતા વધુ ગાઢ બની રહી છે.
- Advertisement -
માર્કો રુબિયોએ કહ્યું, આ મિત્રતા બંને દેશોના લોકોના પ્રેમ અને વિશ્ર્વાસ પર ચાલે છે. બંને દેશો સાથે મળીને નવી તકો શોધી રહ્યા છે, જેમ કે ટેકનોલોજી, સંરક્ષણ અને સંસ્કૃતિમાં એકબીજાને ટેકો આપવો. ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બ્રાહ્મણો રશિયન તેલમાંથી નફો કમાઈ રહ્યા છે, જેની કિંમત સમગ્ર ભારત ચૂકવી રહ્યું છે. નવારોએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને યુક્રેન પર હુમલો કરવા માટે તે ચૂકવી રહ્યું છે, તેથી જ તે સૌથી વધુ ટેરિફ ભોગવી રહ્યું છે. આનાથી રશિયા અને અમેરિકાને નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ તે સામાન્ય ભારતીયોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે આ સમજવું જોઈએ. નવારોએ ભારતને “રશિયાનું વોશિંગ મશીન” ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે ભારત માત્ર વેપાર અસંતુલન જ નહીં, પરંતુ અમેરિકાનાં હિતોના વિરુદ્ધનાં જોડાણોને પણ મજબૂત બનાવી રહ્યું છે.