28 ઑગસ્ટે બન્ને ટીમ વચ્ચે મુકાબલો: સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે શ્રીલંકા બોર્ડ
ક્રિકેટ રસિકોમાં અનેરી ઉત્કંઠા: વર્લ્ડકપની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયા આતૂર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિકેટચાહકો જે મુકાબલાની હંમેશા રાહમાં હોય છે તે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થવાની છે. આ મુકાબલો એશિયા કપ અંતર્ગત રમાશે. આ વર્ષે એશિયા કપની યજમાની શ્રીલંકા પાસે છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. એશિયાકપ-2022નો પ્રારંભ 27 ઑગસ્ટથી થશે. જો કે અત્યાર સુધી ટૂર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
અહેવાલોની માનીએ તો એશિયા કપના પ્રારંભના આગલા જ દિવસે મતલબ કે 28 ઑગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે. 28 ઑગસ્ટે રવિવાર છે. એશિયન ક્રિકેટ કાઉન્સીલ સહિત પ્રસારણકર્તાઓને આ મેચ થકી વધુમાં વધુ ટીઆરપી મળી શકે છે એ જ કારણથી આ મહામુકાબલા માટે ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. એશિયાકપમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાની જગ્યા પહેલાંથી જ પાક્કી કરી લીધી છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંગકોંગ અને બાકી ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે.
ટીમ ઈન્ડિયા આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જેણે પાછલી ટૂર્નામેન્ટના ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજિત કર્યું હતું. એશિયાકપ માટેના ક્વોલિફાયર મુકાબલા 21 ઑગસ્ટથી શરૂ થશે જેમાં યુએઈ, ઓમાન, નેપાળ, હોંગકોંગ સહિતની ટીમો ઉતરશે તેમાંથી એક ટીમ મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કરશે. છેલ્લે એશિયાકપના મુકાબલા 2018માં યુએઈમાં રમાયા હતા. ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસને લીલીઝંડી આપી દીધી છે. આ જ કારણ છે કે હવે શ્રીલંકાએ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.