ગઈકાલની વાત આગળ વધારીએ: કેનેડાની હાલત ખરાબ છે અને ભારત- દક્ષિણ એશિયાથી કેનેડા સ્થાયી થવા ગયેલાં સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સની પણ માઠી બેઠી છે. કેનેડા છોડી રહેલાં અનેક લોકોનાં વિડીયોઝ સોશિયલ મીડિયા પર હજ્જારોની સંખ્યામાં ઠલવાઈ રહ્યાં છે. જુલાઈથી ઑકટોબર 2025 સુધીમાં લગભગ 18 હજાર લોકોએ જોબ ગુમાવી છે.
આપણાં યુવાઓ હોંશેહોંશે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને કેનેડા ભણવા જાય છે- એવા સ્વપ્નો લઈને કે, ત્યાં જિંદગી સ્વર્ગ જેવી હશે- કમ્ફર્ટેબલ અને લકઝરિયસ લાઈફ હશે. ત્યાં પહોંચીને થોડાં સમયમાં સમજાઈ જાય છે કે, આ તો મૃગજળ માત્ર છે. કેનેડાની કુલ વસતિમાંથી સિત્તેર ટકા લોકો માટે ઘરનું ઘર લેવું શક્ય નથી. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન બેઘર લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. કેનેડાનાં વોટરલૂ શહેરમાં 2017માં વન બૅડ- વન બાથરૂમ (કિચન-હૉલ નહીં)નો ફ્લેટ 900 ડોલરમાં ભાડે મળતો હતો, આજે તેનું ભાડું 2000 ડોલર આસપાસ છે. જે મકાન ખરીદવા માટે મહિને 1400 ડોલરનો હપ્તો આવતો હતો- એ મિલકતનો અત્યારે 3500થી 4000 હજાર કેનેડિયન ડોલર (1 કેનેડિયન ડોલર = 63 ભારતીય રૂપિયા) જેટલો હપ્તો આવે છે.
- Advertisement -
કેનેડાનાં લોકોની એવરેજ આવક- સામાન્ય પગાર ચારથી છ હજાર ડોલર આસપાસ છે. વર્ષે લગભગ 60 હજાર ડોલર. તેમાંથી 10 હજાર ટેક્સનાં, 25 હજાર ભાડાંનાં, 10 હજાર કાર ઈન્સ્યોરન્સ, હેલ્થકેર અને શોપિંગ વગેરેનાં બાદ કરો તો વર્ષે દસ હજાર ડોલર પણ વધે નહીં. આ પરિસ્થિતિ તો નોકરી મળ્યા પછીની છે- જ્યાં સુધી સારી જોબ ન મળે ત્યાં સુધી ગાંઠનું ગોપીચંદન કરવાનું જ રહે.
ભારતીય-એશિયન લોકો માટે UK, US, કેનેડા અને ઑસ્ટ્રેલિયા ડ્રીમ ડેસ્ટિનેશન હતાં… હવે બધું મુશ્કેલ છે
ભારતીય વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ માટે હવે કેનેડા બિલકુલ અનુકૂળ નથી. કેનેડામાં નોકરીની ઉપલબ્ધતા હવે છે જ નહીં. ઈકોનોમી પણ ડાઉન છે. કેનેડા પાસે વિશ્ર્વનું ચોથા નંબરનું ઓઈલ રીઝર્વ છે અને તેનું ઓઈલ ખપતું પણ હતું. અમેરિકા તેનું સૌથી મોટું ગ્રાહક હતું પરંતુ કેનેડિયન ઓઈલ અત્યંત મોંઘુ પડતું હોવાથી અમેરિકાએ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું. બધાં સેકટર નબળાં પડતાં જાય છે. 1999ની સાલમાં કેનેડા 30 લાખ વાહનોનું પ્રતિવર્ષ ઉત્પાદન કરતું હતું, આજે માત્ર 14 લાખ વાહનોનું પ્રોડકશન થાય છે. અનેક ઉત્પાદકો બ્રાઝિલ શિફ્ટ થઈ ગયાં છે કારણ કે, કેનેડામાં લેબર ચાર્જ આકરો છે.
- Advertisement -
હવે તો હાઈલી ક્વૉલિફાઈડ આઈ.ટી. પ્રોફેશનલ્સ માટે પણ કેનેડામાં જોબ મેળવવી આસાન નથી. સમાજમાં અરાજકતા વધી રહી છે. ક્રાઈમ રેટમાં ક્યારેય ન નોંધાયો હોય તેવો વધારો થયો છે. લૂંટફાટ, ચોરી અને અન્ય ક્રાઈમ વધતાં જાય છે અને તેનાં વિક્ટિમ મોટા ભાગે એશિયન હોય છે. હેલ્થકેર સેકટર પણ કૉવિડ પછી ભાંગી-તૂટી ગયું છે. હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ સિવાયની મેડિકલ કન્ડિશનમાં અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી ડૉકટરની એપોઈન્ટમેન્ટ મળતી નથી.
ભારતીય-એશિયન લોકો માટે યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા અને ઑસ્ટ્રેલિયા ડ્રીમ ડેસ્ટિનેશન હતાં. હવે બધું મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધ સતત દેખાવો અને પ્રદર્શનો થઈ રહ્યાં છે. છેલ્લાં દસ વર્ષમાં ઑસ્ટ્રેલિયામાં વસતાં ભારતીયોની સંખ્યા પોણા ચાર લાખમાંથી નવ લાખ સુધી પહોંચી ગઈ છે. ચીન અને બ્રિટનનાં ઈમિગ્રન્ટ્સને પણ ભારતીયોએ પાછળ છોડી દીધાં છે.
ઑસ્ટ્રેલિયામાં જોબ માટે તો ટકરાવ છે જ, સાંસ્કૃતિક ટક્કર પણ છે. ટ્રેનોમાં ઈમિગ્રન્ટ્સને લીધે ભયાનક ભીડ અને કકળાટ છે, ભારતીય રેસ્ટોરાંઓ અને હિંદુ મંદિરો સામે પણ ઑસ્ટ્રેલિયનોને વાંધો છે. ટૂંકમાં કહીએ તો ભારતીયોથી ઘણાં દેશો ખુશ નથી. આવી સ્થિતિમાં નવા ડેસ્ટિનેશન શોધવા અથવા તો અહીં જ સ્ટાર્ટઅપ કરવું હિતાવહ ગણાય.



