જર્મનીના સંરક્ષણ પ્રધાન ભારતના ચાર દિવસના પ્રવાસે
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જર્મનીના સંરક્ષણ પ્રધાન પિસ્ટોરિયસ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબધો મજબૂત બનાવવા સંમત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને જર્મની સાથે મળીને ભારતીય નેવી માટે જર્મનીના સહયોગથી 52 અબજ ડોલર (43 હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે 6 જહાજનું નિર્માણ કરશે. ભારત અને જર્મનીએ મંગળવારે મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ક્ષેત્રને સાથે મળી વિકસિત કરવા અંગે મંત્રણા કરી હતી.
જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોેરિયસે લગભગ 43,000 કરોડ રૂપિયાના ખર્ચે 6 જહાજના નિર્માણની ભારતની યોજનામાં રસ દાખવ્યો હરતો. પિસ્ટોરિયસ સાથેની મંત્રણામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને જર્મની વચ્ચેના સંરક્ષણ સંબધો વધુ મજબૂત બની શકે છે. સિંહે જર્મનીને ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને સંરક્ષણ પ્રધાનોએ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ચીન વધતી આક્રમકતા સહિત ક્ષેત્રીય સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે જર્મનીના સંરક્ષણ પ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસ હેઠળ સોમવારે દિલ્હી પહોંચ્યા હતાં. પિસ્ટોરિયસ 2015 પછી ભારતની મુલાકાતે આવનાર જર્મનીના પ્રથમ સંરક્ષણ પ્રધાન છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ જર્મનીના સંરક્ષણ ઉદ્યોગની પુરવઠા શ્રૃંખલામાં ભાગ લઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રણામાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાથી ભારત આવતા પહેલા પિસ્ટોરિયસે જણાવ્યું હતું કે ભારતની સતત રશિયન શસ્ત્રો પર નિર્ભરતી જર્મનીના હિતમાં નથી.