ક્રિકેટ વર્લ્ડ કપના નિર્ણાયક મેચ માટે મહાપાલિકા ક્રિકેટ સ્ટેડીયમમાં વિશાળ એલઇડી સ્ક્રીન મૂકશે
મોટી LED સ્ક્રીન મારફત લાઈવ પ્રસારણ મારફત મેચ નિહાળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ બની રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિકેટ વર્લ્ડ કપ-2023ના ફાઇનલમાં ભારતીય ટીમ અવિરત વિજયકૂચ સાથે પહોંચી છે અને રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મહામુકાબલો છે. આ મેચની લોકો ઉત્સવની જેમ મજા માણી શકે તે માટે પૂરા ગુજરાતમાં સૌપ્રથમ વખત રેસકોર્ષના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશાળ એલઇડી સ્ક્રીન પર મેચના જીવંત પ્રસારણનું આયોજન મહાપાલિકાએ જાહેર કર્યુ છે.
ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહોંચતા શહેરીજનોમાં ભવ્ય ઉત્સાહ અને અનેરો આનંદ જોતા મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ શહેરીજનો મોટી સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઈવ નિહાળી શકે તે માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે આ જલ્સો ગોઠવવામાં આવ્યો છે. આઈ.સી.સી.વર્લ્ડ કપની સેમી ફાઈનલ સહિત સળંગ 10 મેચ જીતતા તેમજ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવી શક્તિશાળી ટીમને પણ મહાત આપી એક રેકર્ડ સ્થાપિત કરેલ છે.
જે સમગ્ર ભારત માટે એક ગૌરવની બાબત છે. ભારતની ટીમએ અગાઉ વર્ષ 1983 અને વર્ષ 2011માં આઈ.સી.સી.વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલ હતું.આજે વર્ષ 2023માં ભારતની ટીમ ફાઈનલમાં આવેલ હોય એક વાતાવરણ અને માહોલ બની રહે તેમજ ટીમના સભ્યોના જુસ્સામાં વધારો કરવા મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઘણી બધી ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તેવું રાજકોટનું ક્રિકેટ ગ્રાઉન્ડ શ્રી માધવરાવ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે આ ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.
મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત લાઈવ પ્રસારણ મારફત મેચ નિહાળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ બની રહેશે આઈ.સી.સી.વર્લ્ડ કપની ફાઈનલ મેચ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, અમદાવાદ ખાતે રમાનાર હોય રાજકોટના નગરજનોએ મેચ નિહાળવાનો લાભ અને લહાવો મળે તે માટે શહેરીજનોને ઉમટી પડવા મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા,સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ નિમંત્રણ આપ્યું છે.