રાજકોટ : ભારતવર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજયમાં ‘‘આઝાદીનો અમૃત મહોત્સવ’’ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું તાલુકા મથકો ઉપર આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાને એટલે કે તા. ૧૪મી ઓગસ્ટના રોજ સાંજના ૬-૦૦ કલાકે કોરોના મહામારીની અદ્યતન માર્ગદર્શિકા અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
તાલુકા કક્ષાએ હાથ ધરાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમોના સઘન આયોજન અને અમલીકરણ અર્થે જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના કરી સબંધિત નોડલ અધિકારી ઓને કામગીરી સોંપવામાં આવી છે.
- Advertisement -
તાલુકા કક્ષાએ ‘‘આઝાદીનો અમૃત મહોત્સવ’’ થીમ આધારીત હાથ ધરાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર વીર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી તેમણે આપેલ યોગદાન બાબતે વક્તવ્ય અપાશે. ત્યારબાદ સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજુ કરાશે. જેનું પ્રસારણ LED સ્ક્રીન ઉપરથી પણ નિહાળી શકાશે. તાલુકા કક્ષાના આ કાર્યક્રમ બાદ જુનાગઢ ખાતે આયોજિત થનાર રાજયકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ તમામ તાલુકા મથકોએ ઉપસ્થિત રહેલા લોકો નિહાળી શકશે.