સરકારના મહત્વના સામિત્વ પ્રોજેક્ટ, રીસરવે અને જમીન માપણી સહિતની અનેક કામગીરીને અસર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3 કર્મચારી મહામંડળના નેજા હેઠળ સોમવારથી રાજ્યભરના 1500 થી વધુ કર્મચારીઓએ સરકાર સમક્ષ મુકેલી પડતર માંગણીઓનો લાંબા સમય સુધી નિવેડો ન આવતા અને ખાસ કરીને ગ્રેડ-પે માં સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે જે મુદ્દે મોરબી જીલ્લાના લગભગ 35 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે જેના કારણે જમીન માપણી, નકલ અરજી સહિતની પ્રજાલક્ષી કામગીરી પર અસર જોવા મળી છે.
- Advertisement -
રાજ્ય સરકારના મહત્વના વિભાગ ગણાતા લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના વર્ગ 3 ના કર્મચારી યુનિયને વર્ષ 2018 થી પગાર વિસંગતતા અને ગ્રેડ પે સુધારવા સહિતના અનેક મુદ્દે સરકાર સમક્ષ લેખિત માંગણીઓ રજુ કરી હતી.
જેમાં અમુક માંગણીઓ સ્વીકાર કર્યા બાદ મહત્વની ગ્રેડ-પે અને પગાર ધોરણ સુધારવાની માંગણી લાંબા સમય સુધી સ્વીકારી ન હોવાથી કર્મચારીઓના રાજ્યમંડળે ગત તા. 30 ઓગસ્ટે આવેદનપત્ર પાઠવી ગત તા. 23 સપ્ટેમ્બરથી સરકારની મહત્વની યોજનાઓ રીસરવે, સ્વામિત્વ યોજના અને ગામઠાણ પ્રોજેક્ટનો પેનડાઉન કરી બહિષ્કાર કર્યો હતો પરંતુ ત્રણેય કામગીરી બંધ કરવા છતા નિવેડો ન આવતા તા. 3 ઓક્ટોબર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી સોંપો પાડી દીધો છે જે અંતર્ગત મોરબી જીલ્લાના 35 થી વધુ કર્મચારીઓ રાજ્ય મંડળની સુચનાથી અને પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ હડતાલ પર ઉતરી જતા સરકારની મહત્વની કચેરીઓ કર્મચારી વગર સુમસામ ભાસતી રહી છે અને પોતાના કામ અર્થે આવેલા કર્મચારીઓને ડેલે હાથ દઈ પરત ફરવુ પડી રહ્યું છે. લેન્ડ રેકર્ડ કર્મચારીઓની હડતાળથી ખેતીની જમીન માપણી, બિનખેતી માપણી, જમીનને લગત નકલ અરજી સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી લે વેચ નોંધ, પ્રોપર્ટીકાર્ડની કામગીરીને બ્રેક લાગી જતા કામગીરીને ઘેરી અસર પડી છે જયારે શહેર લાયક ગામડાને પ્રોપર્ટી કાર્ડ આપવાની સરકારની યોજના તથા સરકારના સામીત્વ પ્રોજેક્ટને સદંતર બ્રેક લાગી છે જેના કારણે અરજદારોને કચેરીના ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે.