લોધિકા તાલુકામાં 21.75 કિ.મી.ના રોડના નવીનીકરણ માટે 1130.00 લાખ મંજૂર કરાવતા ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટ જિલ્લાના રાજકોટ તેમજ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતાં રોડ રસ્તાઓની હાલત ઘણાં સમયથી ખરાબ હતી તેમજ સ્થાનિકે વાહનોની અવરજવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી તેથી સ્થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્તાઓને કારણે ઘણી બધી મુશ્કેલી પડતી હતી અને આ રસ્તાઓ રાજકોટ અને લોધિકા મુખ્ય માર્ગોને જોડાતા હોવાથી ગ્રામ પ્રજાજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, ડામર કામ તેમજ રોડ ફીનીશીંગ, નાળા કામ રીપેરીંગ તેમજ સી.સી. રોડ બનાવવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમના મત વિસ્તારના પ્રજાજનો અને લોકપ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી હતી.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોકપ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતાં રાજકોટ ગ્રામ્ય 71 વિધાનસભા વિસ્તારના લોધિકા તાલુકાના ઢોલરા-શાપરને જોડતો (4.00 કિ.મી.ના રસ્તા પહોળાઈ) માટે રૂા. 560.00 લાખ, એન.એચ. ટુ કાંગશિયાળી- ઢોલરા- વિરવા- ખાંભા: માખવડા રોડને જોડતો (4.00 કિ.મી.) તેમજ રાજકોટ તાલુકાના સર-સુકી સાજડીયાળી રોડને જોડતો (3.75 કિ.મી.)ના રસ્તા માટે રૂા. 120.00 લાખ એમ કુલ 21.75 કિ.મી.ના રસ્તાના નવીનીકરણ, ડામરકામ તેમજ રોડ ફીનીશીંગ, નાળા કામ રીપેરીંગ, સી.સી. રોડ બનાવવા માટે રૂા. 1130.00 લાખ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે.
આ રસ્તાના કામોથી રાજકોટ અને લોધિકાના મુખ્ય માર્ગોને જોડતા આ માર્ગની આસપાસના આજુબાજુના ગામડાઓને આનો લાભ મળશે તેમજ પ્રજાજનોને આ મંજૂરી મળતાં હર્ષની લાગણી અનુભવી હતી. ઉક્ત મંજૂરી મળતાં ભાનુબેન બાબરીયાએ સર્વે ગ્રામજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.