સરકારી હૉસ્પિટલના OPDમાં દરરોજ 100થી વધુ દર્દી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ધ્રાંગધ્રા પંથકમાં રોગચાળાએ ફરી એક વખત માથું ઉચક્યું છે. જેમાં તાવ, શરદી, ઉધરસ અને ગળામાં તકલીફ થતી હોવાના દર્દીઓમાં વધારો જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તો નુકશાન કર્યું જ છે પરંતુ હવે આ કમોસમી વરસાદને લીધે બીમાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેમાં ધ્રાંગધ્રા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓની ભીડ જોવા મળે છે.
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરની માત્ર એક સરકારી હોસ્પિટલની ઓપીડીમાં જ દરરોજ 100 વધુ દર્દીઓની સંખ્યા જીવા મળે છે આ પ્રકારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સહિત લગભગ દરરોજ 150થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ હોવાનું અનુમાન લગાવાયું છે. ત્યારે વરસાદી વાતાવરણના લીધે બીમારીનો ભોગ બનેલા દર્દીઓને ઝડપથી તંદુરસ્ત બનાવા માટે ધ્રાંગધ્રા શહેરના ખાનગી હોસ્પિટલના સર્જન નિર્મલભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે દરેક બીમાર દર્દીઓને શક્ય હોય તો પાણીને ઉકાળ્યા બાદ જ સેવન કરવું સાથે જ બહારની ચીજવસ્તુઓ આરોગવાની ટાળવી જોઈએ જ્યારે દિવાળીના સમયે બહારથી મંગાવેલી મીઠાઈ અને ફરસાણ પણ લેવું જોઈએ નહીં. સાથે જ જે વ્યક્તિ હાલ તંદુરસ્ત છે તેઓને પણ આ દરેક પ્રકારની કાળજી રાખવાથી બીમારી દૂર રહેશે તેમ જણાવ્યું હતું. તેવામાં હાલ તો વરસાદી વાતાવરણને લઈ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે બીમારીના ખાટલા હોય તેવું દ્રશ્ય નજરે પડે છે.



 
                                 
                              
        

 
         
         
        