આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાતા સપાટી અડધો ફૂટ વધી
સૌરાષ્ટ્રના 84માંથી બે ડેમમાં વરસાદી પાણીની નજીવી આવક
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય જળ સ્ત્રોત આજી-1 ડેમમાં સૌની યોજનાનું નર્મદા નીર ઠાલવવાનું ફરી શરૂ કરતાં સપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધાયો છે. જ્યારે ન્યારી-1 ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ 84માંથી ફક્ત બે ડેમમાં નજીવી આવક થઇ છે, જ્યારે એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડાની અસરને લઇ પાંચ દિવસથી આજી-1માં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું બંધ કરાયું હતું જે ગઇકાલથી ફરી શરૂ કરાતા અડધો ફૂટ પાણીની આવક થઇ છે. 29 ફૂટની ઉંડાઇના આજી-1માં છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટની આવક થતા ડેમની સપાટી 20.50 ફૂટે પહોંચી છે. હવે જ્યાં સુધી નોંધપાત્ર વરસાદી આવક ન થાય ત્યાં સુધી સૌની યોજનાના નર્મદા નીરની આવક ચાલુ રહેશે. રાજકોટ શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આજી-1માં કુલ 800 એમસીએફટી નર્મદા નીર સૌની યોજના હેઠળ ઠાલવવા માંગણી કરાઈ હતી જે અંતર્ગત આજ દિવસ સુધીમાં 300 એમસીએફટી નર્મદાનીર ઠલવાયું છે અને હજુ 500 એમસીએફટી બાકી છે. હવે જુલાઇ મહિના સુધી નર્મદાનીર ઠલવાતું રહેશે.
દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ ક્ધટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટના ન્યારી-1 ડેમમાં નવા નીરની 0.16 ફૂટ આવક નોંધાઇ છે. કુલ 25 ફૂટની ઉંડાઇના ન્યારી-1 ડેમની સપાટી 16.10 ફૂટે પહોંચી છે. જ્યારે આજી-2 ડેમમાં 0.07 ફૂટ પાણીની આવક થઇ છે અને મોસમના પહેલા વરસાદમાં જ આ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો હોય ડેમના ચાર દરવાજા હજુ ખુલા રાખવામાં આવ્યા છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ભૂગર્ભ ગટરનું પાણી આજી-2 ડેમમાં ઠલવાતું હોય લગભગ દર ચોમાસે પહેલા કે બીજા વરસાદમાં જ આ ડેમ છલકાઇ જતો હોય છે.