ભાગીદારના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન
50થી વધુ અધિકારીઓનો કાફલો આજે વહેલી સવારથી મોરબીમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી, અમદાવાદ અને વડોદરા સહીત ક્યૂટોન સિરામિક ગ્રુપના અલગ અલગ 25 થી વધુ સ્થળોએ ઈન્ક્મટેક્સ વિભાગે દરોડા પાડી સપાટો બોલાવી દિધો છે ત્યારે આજે વહેલી સવારથી મોરબીમાં ક્યૂટોન સિરામિક ગ્રુપના પાંચ યુનિટોમાં અને ભાગીદારના નિવાસસ્થાને પણ ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેના પગલે અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપના પાંચ યુનિટમાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે તો કયૂટોન ગ્રુપના ભાગીદારના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક તરફ મોરબીનો સિરામિક ઉદ્યોગમાં બુધવારથી એક મહિનાનું વેકશનમાં રહેવાનું છે તેવા સમયે ક્યુટોન ગ્રુપના મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ઢુવા પાસે આવેલ બે યુનિટ તેમજ વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ત્રણ યુનિટોમાં ઈન્ક્મટેક્સ ડીપાર્ટમેન્ટના દરોડા પડતા ઉધોગકારોમાં ચિંતાની લકીર છવાઈ ગઈ હતી.
આઈટી વિભાગની ટીમે અગ્રવાલ ગ્રુપની અમદાવાદ ખાતેની ઓફિસમાં દરોડા કર્યા બાદ તેમાંથી મળેલી લિંકના આધારે મોરબીમાં પણ ક્યુટોન સિરામિક ગ્રુપના પાંચ યુનિટમાં દરોડા પાડી નાણાકીય હિસાબની તપાસ હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 50 થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો છે અને સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોરબીની સાથે જ વડોદરા તેમજ અમદાવાદ ખાતે ક્યુટોન ગ્રુપ સાથે જોડાયેલ વ્યાપાર સ્થળો ઉપર પણ ઈન્ક્મટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આઈટી વિભાગની રેડને પગલે મોરબીના પાંચેય યુનિટો બહાર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને યુનિટમાં કામ કરતા સ્ટાફના મોબાઈલ અને કોમ્પ્યુટર સહીતનું સાહિત્ય પણ જપ્ત કરી લેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.