વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિતના સંબંધિત 19 સ્થળોએ 150થી વધુ અધિકારીઓ એકસાથે ત્રાટક્યા
મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા: શહેરના વેપારીઓમાં ફફડાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિનોદ ટેક્સટાઈલના માલિક તેમજ તેમના ભાઈ સહિત 19 જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મંગળવારે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથોધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર વિનોદ મિત્તલ, તેમના ભાઈ અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને કુલ 19 જગ્યાઓ પર એકસાથે મોટાપાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગે વહેલી સવારે ટીમોને અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરી વિવિધ ઓફિસ, રહેણાંક મકાનો, ગોડાઉનો અને અન્ય કમર્શિયલ સ્થળોએ કાર્યવાહી હાથ ધરાવી.
પ્રાથમિક માહિતી મુજબ, નાણાકીય અનિયમિતતા, બિનહિસાબી વ્યવહાર અને સંભવિત કરચોરીના મામલે આ દરોડા કરવામાં આવ્યા છે. વિભાગે મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને હિસાબી રેકોર્ડ્સ સીલ કરી તપાસ શરૂ કરી છે.
જોકે, આવકવેરા વિભાગ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો કહે છે કે આ કાર્યવાહી લાંબી ચાલી શકે છે અને વધુ સ્થળો પર પણ દરોડા વધારવાની શક્યતા છે. આ મેગા ઓપરેશનને કારણે વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સમગ્ર શહેરમાં અનેક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.



