ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે આવકના પ્રમાણપત્રની સેવા જોડાશે
ઓનલાઈન વ્યવસ્થા સંપૂર્ણ અમલમાં આવે ત્યાં સુધી હાલની પ્રક્રિયા ચાલુ રહેશે
- Advertisement -
સમગ્ર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ રહેશે
શહેર વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્ર (ઈંક્ષભજ્ઞળય ઈયિશિંરશભફયિં) મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 18 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા હુકમ અનુસાર હવે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે નવી સરળ અને પારદર્શક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. હાલ સુધી વિવિધ સત્તાધિકારીઓ મારફતે આપવામાં આવતા આવકના દાખલાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને અરજદારોને અનાવશ્યક દોડધામથી મુક્ત કરવા માટે આ સુધારા કરવામાં આવ્યા હોવાનું વિભાગે સ્પષ્ટ કર્યું છે. નવા નિયમ મુજબ શહેર વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા આપવામાં આવી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ રહેશે. અરજદારે નિયત ફોર્મમાં અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે હવે સ્વ-ઘોષણાપત્ર આપવાનું રહેશે. ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. નવા પરિપત્ર અનુસાર આવકના પ્રમાણપત્રની માન્યતા સમયગાળા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અગાઉની ગૂંચવણ દૂર કરીને હવે પ્રમાણપત્ર કેટલા સમય સુધી માન્ય રહેશે તેની નોંધ સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવશે.
ઓનલાઇન પ્રક્રિયા તરફ પગલું
ડિજિટલ ગુજરાત પોર્ટલ તથા સિંગલ સાઇન-ઓન (જજઘ) સિસ્ટમ સાથે આવકના પ્રમાણપત્રની સેવા જોડવાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. ઓનલાઈન વ્યવસ્થા સંપૂર્ણ અમલમાં આવે ત્યાં સુધી હાલની પ્રક્રિયા ચાલુ રહેશે. વિભાગના અધિકારીઓ મુજબ આ સુધારાથી ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર સરળતાથી પ્રાપ્ત થશે અને પ્રક્રિયામાં પારદર્શિતા વધશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અરજદારોને સહેલાઈ મળશે તેમજ દસ્તાવેજીકરણની પ્રક્રિયામાં એકરૂપતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



