રાજકોટમાં 3 માસ બાદ સ્ટેન્ડિંગની બેઠક મળી
24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકાયો : 2 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટમાં 3 મહિનાની સૌથી લાંબી આચારસંહિતા બાદ આજે (18 જૂન) મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. રાજકોટમાં પ્રારંભિક તબક્કે ચંદ્રેશનગરમાં 24 કલાક મીટરથી પાણી પહોંચાડવા પાઇલોટ પ્રોજેકટ અમલમાં હતો. જોકે, આજની બેઠકમાં આ પ્રોજેકટનાં મેન્ટેનન્સનો ખર્ચ નામંજૂર કરી આડકતરી રીતે 24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો. જ્યારે મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત તમામ 26 સ્કૂલો સહિત 27 બિલ્ડિંગોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિતની રૂ. 191.37 કરોડની કુલ 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, આચારસંહિતા બાદ આજે મળેલી બેઠકમાં કુલ 68 દરખાસ્તોમાંથી 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કુલ રૂપિયા 191.37 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, 2 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રેસકોર્ષનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. તેમજ વર્ષો પૂર્વે ચંદ્રેશનગર ખાતે 24 કલાક પાણી વિતરણનાં પ્રયોગ માટે મીટર મુકવામાં આવ્યા હતા. આ પ્રોજેકટના મેઈન્ટેન્સની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી છે.
તાજેતરમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પૂરા શહેરમાં ફાયર સેફટી માટે કડક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે મનપાની શિક્ષણ સમિતિ હસ્તક 26 સ્કૂલો અને સમિતિના મુખ્ય બિલ્ડિંગ મળી કુલ 27 મકાનો માટે ફાયર સેફ્ટી સિસ્ટમ બેસાડવા અને એનઓસી રિન્યુ કરવા માટે 54 લાખનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઇન પરથી પ્રાથમિક સ્કૂલો કે જેનું ક્ષેત્રફળ 500 ચો.મી. કે તેથી વધુ હોય તેવી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક ધોરણે ફીટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
મ્યુ. કમિશનર ડી. પી. દેસાઇએ મોકલેલી દરખાસ્ત મુજબ શિક્ષણ સમિતિની 26 સ્કૂલો અને સમિતિની કચેરી મળી 27 બિલ્ડિંગનો સર્વે કરાતા આ 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળવાળા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 45.09 લાખના ખર્ચનો અંદાજ નીકળ્યો છે. તો 2021-22માં 9 મીટરથી ઉંચાઇવાળી 10 સ્કૂલમાં ફાયરનાં એનઓસી લેવાયા બાદ રિન્યુ ન થયાનું ખુલ્યુ છે. અમુક સાધનો બંધ હાલતમાં હોય ત્યાં પણ 9 લાખ મળી કુલ 54.09 લાખનો ખર્ચ થવા શાસનાધિકારીએ પત્ર લખ્યો હતો. આ સિસ્ટમ બેસાડવા સ્કૂલ બોર્ડને 100 ટકા નોનગ્રાન્ટેબલ ખર્ચ પેટે આ રકમ ચુકવવા સ્ટે. કમિટી પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેને મંજૂર કરવામાં આવતા હવે મનપા સંચાલિત તમામ સ્કૂલોમાં ફાયરનાં સાધનોનું ફિટિંગ કરવામાં આવશે.
શહેરના વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ આવેલો છે. આ હોલનું નવીનીકરણ કરવા રૂ 4.71 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. 542 ચો.મી. એરીયામાં ગ્રાઉન્ડ+3 ફલોરનું ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડિંગ બનાવવા માટે આશીષ ક્ધસ્ટ્રક્શન કંપનીએ ભાવોભાવ કામ કરવા તૈયારી દર્શાવી છે. 4.71 કરોડના ખર્ચ અને 84.81 લાખ જીએસટી સહિત કુલ રૂ. 5.56 કરોડના ખર્ચે આ કામ એજન્સીને આપવા કમિશનરે દરખાસ્ત મોકલી હતી. તેમજ વોર્ડ નં.2માં અલ્કાપુરી સોસાયટી 1, 2, 3, 9 તથા 12માં સાઇડ પડખામાં પેવિંગ બ્લોક કરવાનું રૂ. 33.90 લાખનું કામ ડિમ્પલ જે. પાનસુરીયા એજન્સી 24.96 ટકા ઓછા ભાવે કરી આપશે. આ કામ મનપાને રૂ. 25.43 લાખમાં કરવા દરખાસ્ત મળી હતી. જેનો જીએસટી સહિતનો ખર્ચ રૂ. 30 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
સરદારનગર મેઇન રોડથી ડો. દસ્તુર માર્ગ પર પાકો વોંકળો બનશે
આ ઉપરાંત સ્ટેન્ડિંગનાં એજન્ડા પર કુલ 68 દરખાસ્ત રહેલી છે. જેમાં જુદા-જુદા વિસ્તારમાં રસ્તાના કામ, મોટા મવાના સ્મશાનમાં ગેસ આધારીત સિસ્ટમ, વેસ્ટ ઝોનમાં બલ્ક ફલો મીટર, વોર્ડ નં.18માં ડામર, ડ્રેનેજ, રીકાર્પેટ સહિતના કામો, જેટકો ચોકડીએ ભૂગર્ભ ગટર (વોર્ડ નં.11), આજી ડેમ રામવન ગેટ સામે બ્લોક પ્લાન્ટેશન, વોર્ડ નં.4માં ટીપી રોડ પેવરથી મઢવા, રેલનગરમાં જીએસઆર બનાવવા, ઝુ પાસે બનનારા લાયન પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ વોલ બનાવવા, વોર્ડ નં.1માં સત્યનારાયણ મેઇન રોડથી શીતલ પાર્ક સુધી ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.7માં સરદારનગર મેઇન રોડથી ડો. દસ્તુર માર્ગ પર પાકો વોંકળો બનાવવા સહિતની દરખાસ્તો પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.