જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા પાણીને સંપૂર્ણ શુદ્ધ કરવાની દિશામાં થનારી મહત્વની કામગીરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છ ભારત-હરિયાળું ભારત” અભિયાન અંતર્ગત વૈજ્ઞાનિકોએ જેતપુરમાં કરેલો આ સફળ પ્રયોગ મહત્વનું કદમ છે : ડો.અજીતકુમાર મોહંતી
- Advertisement -
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર, મુંબઈ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દેશના પ્રથમ રેડિયેશન ટેક્નોલોજી બેઇઝડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીએ કર્યું હતું.
પરમાણુ ઉર્જા રેડિયેશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્લાન્ટનો પ્રયોગ સફળ થતા પ્લાન્ટમાંથી કલરવાળુ પાણી શુદ્ધ થઈને બહાર નીકળશે, તેમ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીએ હર્ષ સાથે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છ ભારત-પ્રદૂષણમુક્ત ભારત-હરિયાળા ભારત” અભિયાનમાં “આઝાદીના અમૃત મહોત્સવ”ના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું આ એક મહત્વનું કદમ છે. આ ટેક્નોલોજીથી કલરવાળું પાણી શુદ્ધ થશે અને તેનો પુન: વપરાશ ઉદ્યોગો ઉપરાંત અન્ય ઘણા હેતુઓ માટે થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના મિશનના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર ખાતે ઉપયોગમાં મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રીસર્ચ થશે.
એસોસિએશનના સહયોગથી સંશોધનની કામગીરી આગળ વધશે. તેઓએ આ ટેકનોલોજી વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા હતા.
જેતપુરના ભાદર નદીના સામા કાંઠે સી.ઇ.પી.ટી સાઇટ પર એસોસિએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્ધિકરણના માટેના બે પ્રાયોગિક યુનિટ મૂકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેક્ટરની હાજરીમાં પાણીનું પૃથક્કરણ કરતા કલરવાળુ પાણી છુટું પડ્યા પછી શુદ્ધ પાણીનું પી.એચ. લેવલ 7 ન્યુટ્રલ વેલ્યુ આવતા હવે આર.ઓ દ્વારા પાણી વધુ શુદ્ધ થવાનુ શક્ય બન્યું છે તેમ આ વિષય ઉપર કામ કરનાર ટીમના ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના આર.ટી.ડી.ડી.ના ડો.વાય.કે.ભારદ્વાજે જણાવ્યું હતું. આ બે યુનિટમાં પ્રતિ યુનિટ 40000 લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે. જેમ જરૂરિયાત વધશે તેમ ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રની દેખરેખ હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી આ કામગીરીનો વિસ્તાર વધારવામાં આવશે.



