માતાની ચિંતા હળવી કરવાનો વિનમ્ર પ્રયાસ એટલે ઘોડિયાઘર : દિગ્વિજયસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.8
- Advertisement -
કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, આજકાલ પુરુષો સાથે ખભેખભો મિલાવીને મહિલાઓ પણ સરકારી તંત્રમાં કાર્ય કરી રહી છે ત્યારે, તેમના બાળકના ઉછેરની જવાબદારી એ મોટો પ્રાણપ્રશ્ન બની રહે છે. બાળકને પણ માતાની સતત હૂંફ અને કાળજીની જરૂર હોય છે. તેવા સમયે જો માતા તેની આસપાસમાં જ હોય તો બાળક પણ એક પ્રકારની હળવાશ અનુભવે છે. તે ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓ-અધિકારીઓના બાળકોને પોતિકાપણું અનુભવાય અને આનંદ-કિલ્લોલ સાથે રહી શકે તે માટે કલેક્ટર કચેરીના ભોંયતળિયે ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘોડિયાઘરનું નિર્માણ કરવાનો હેતુ માતાની ચિંતા હળવી કરી માતા બાળકનું ધ્યાન રાખવા સાથે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન આપી શકે તેવો છે. આ ઘોડિયાઘર બાળકોને રમવા માટેના અને મનોરંજનના સાધનો સાથે બાળકોને મજા પડે તે રીતે કાર્ટૂનોથી સુશોભિત દિવાલો સાથે વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે.
આ ઘોડિયાઘરમાં બાળકોને આરામ કરવા માટે બેડ, લસરપટ્ટી, હિંચકવા માટે ઘોડા, હોડી અને અવનવાં રમકડાંની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની માનસિક સુસજ્જતા વધે અને તેઓ પણ તેમના કાર્યબોજ વચ્ચે થોડી હળવાશની પળો અનુભવી શકે સાથે જ શારીરિક ક્ષમતાનું વર્ધન થાય તેવા ઉદ્દેશ્યથી સ્પોર્ટ્સ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ રૂમમાં મહિલા અને પુરુષોના ચેન્જિંગ રૂમ સાથે ટેબલ-ટેનિસ, ચેસ, કેરમ, લૂડો, ડાર્ટ ગેમ જેવી ઈન્ડોર ગેમ ઉભી કરવામાં આવી છે. તે સાથે કલેક્ટર કચેરીમાં જ બેડમિન્ટન કોર્ટ પણ બનાવવામાં આવી છે. જેનો કર્મચારીઓ અને અધિકારીઓ રિશેષના સમયે ઉપયોગ કરી શકશે.