ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે ના શુભ હસ્તે “સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022” નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયા નો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તા.07 અને 08 નવેમ્બર બન્ને દિવસે હોય શ્રી સોમનાથ મંદિર 07 અને 08 નવેમ્બરે રાત્રે 01:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ
