ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યાજીથી આવેલા અક્ષત કળશના સામૈયા, પૂજન અને આરતી કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. અક્ષત કળશનું પૂજન અને આરતી કરી લોકો ભાવવિભોર બન્યા છે ત્યારે સમગ્ર રાજકોટમાં અક્ષત કળશના પૂજન, આરતી કરવા મંદિર, સોસાયટીઓ, સેવાકીય સંસ્થાઓ, યુવા ગ્રુપ, ગરબી મંડળ દ્વારા આયોજનો થઈ રહ્યા છે.
વિશ્ર્વ હિંદુ પરિષદ, હિંદુ જાગરણ મંચ અને હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા પણ અક્ષત કળશના સામેયા, પૂજન અને આરતીનો લોકોને વિશેષ લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં અયોધ્યાથી પુજીત કરી આવેલા અક્ષત અને અયોધ્યાજી મંદિરનો ફોટો પણ લોકોને મળી રહે તે માટે કાર્યકર્તા (રામદૂતો) દ્વારા ઘેર ઘેરનો સંપર્ક કરવામાં આવશે. અનેક વિસ્તારોમાં રામલલ્લા પુન: પ્રાણપ્રતિષ્ઠા કાર્યાલયના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલકજી ડો. સંજીવનભાઈ ઓઝા દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન દરમિયાન જણાવ્યું કે અયોધ્યા ખાતે આગામી સમયમાં થઈ રહેલા રામજીની પુન: પ્રાણપ્રતિષ્ઠા લોકોની આસ્થા, તપ, સાધના, વ્રત અને બલિદાનનું પ્રતીક છે. હિન્દુસ્તાન વિશ્ર્વ ગુરુ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આપણો હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ, હિંદુ જીવન પદ્ધતિથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયો છે.
યોગદિવસ આજે સમગ્ર વિશ્ર્વ ઉજવે છે. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયના વિચાર સમગ્ર વિશ્ર્વના કલ્યાણની ભાવના, આપણી જીવન પદ્ધતિ છે આમ 22 જાન્યુઆરી અયોધ્યાજી ખાતે થનાર રામલલ્લાની પુન: પ્રાણપ્રતિષ્ઠાએ ફરી દિવાળી જેવો માહોલ જોવા મળશે.