તા. 13ને શુક્રવારે મુખ્યમંત્રી રાજકોટ આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા. 13ને શુક્રવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પટેલના હસ્તે કુલ રૂ. 793 કરોડનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં તેઓ અટલ સિટીમાં આધુનિક સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ મનપા અને રૂડાનાં આવાસોનો ડ્રો ઈખનાં હસ્તે કરવામાં આવશે. ઉપરાંત 22 ઈગૠ બસોનું પણ લોકાર્પણ સહિતના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. આ માટેનો કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવા તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રીનાં હસ્તે મનપાનાં વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.569.19 કરોડના ચાર પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 બીએચકે ના 1010 આવાસ યોજના લાભાર્થીને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રૂડાના ઇડબલ્યુએસ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મુખ્યમંત્રી માટે ડીસીપી, એસીપી સહિત 1500 પોલીસ કર્મચારીઓની ટીમો તૈનાત રહેશે.
- Advertisement -
જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાનાં માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકમાંથી બંદોબસ્ત માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 8 એસીપી, 20 કરતા વધુ પીઆઇ, 60 પીએસઆઇ તેમજ હેડ કોન્સ. તેમજ કોન્સ. અને હોમગાર્ડ, ટ્રાફીક બ્રિગેડ સહિત 1500 કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્ત માટે તૈનાત રહેશે. રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્યક્રમને લઇને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના આગમનથી લઇ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષના આસપાસના કેટલાક રસ્તાઓને વન-વે જાહેર કરવામાં આવશે.
જુદી-જુદી શાખાના રૂ. 224 કરોડના ખાતમુહૂર્ત કરાશે
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તા.13ના શુક્રવારે બપોરે 12 કલાકે વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ માટેનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૈયામાં રૂપિયા 565 કરોડના ખર્ચે બનેલા અટલ સ્માર્ટ સીટીનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે. તો નવી 22 સીટી બસ, ડ્રેનેજ શાખાના જેટીંગ મશીનના લોકાર્પણ તથા જુદી-જુદી શાખાના રૂ. 224 કરોડના ખાતમુહૂર્ત કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 BHKનાં 1010 આવાસ તેમજ રૂડાના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરવામાં આવશે.