– મોર પીંછાથી શોભે, તેમ લોકમેળો લોકોના આનંદથી શોભે છે: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત શ્રાવણ માસના મેળાનો પ્રારંભ રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ કરાવ્યો હતો.
- Advertisement -
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મંદિર ખાતે પરંપરાગત લોકમેળો અભૂતપૂર્વ રીતે ઉજવાય તે માટે વહીવટી તંત્ર, આગેવાનો, સરપંચશ્રીઓ, શુભેચ્છકો, શિવભક્તો, દાતાઓ, સ્વયંસેવકો તમામે ભવ્ય મેળો અને ડાયરા, ચોરાસી, વગેરે કાર્યક્રમોનું આયોજન કર્યું છે. મીનળ દેવી મંદિરનો જીર્ણોધ્ધાર વગેરે અનેક વિકાસકાર્યો અહી થનાર છે. મોર પીંછાથી શોભે, તેમ લોકમેળો લોકોના આનંદથી શોભે છે. પ્રધાનમંત્રીશ્રી દેશભરમાં પવિત્ર યાત્રાધામોના શ્રેષ્ઠ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, અને વિકાસને અલગ જ સ્કેલ પર લઈ ગયા છે.
મંત્રી મુળુભાઇ બેરાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ધાર્મિક, ઐતિહાસિક, કુદરતી સૌંદર્યના સ્થળો વગેરેના વિકાસ અને તેના દ્વારા પ્રવાસનને વેગ મળે તે માટે સરકાર મોટું બજેટ ફાળવી રહી છે અને નવા નવા સ્થળોને પવિત્ર તીર્થધામમાં સામેલ કરીને તેના વિકાસ માટે કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં આવનાર વિદેશી તેમજ અન્ય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર જેવી જ ઊર્જાનો અનુભવ અહીં થાય છે.
- Advertisement -
કલેક્ટરએ ઘેલા સોમનાથ તીર્થના વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી તેમજ દાતાઓનો આભાર માન્યો હતો અને સૌને ઉત્સાહભેર આ મેળામાં જોડાવા અપીલ કરી હતી.
કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મહાનુભાવોનું સ્વાગત પૂજારીઓ દ્વારા ચંદન તિલક અને ઉપવસ્ત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી ડો. ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રાંત અધિકારી રાજેશ આલે આભારદર્શન કર્યું હતું.
ઉદઘાટન પ્રસંગે વીંછિયા એ.પી. એમ.સી. ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, વિવિધ પદાધિકારીઓ, કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસ.પી. જયપાલસિંહ રાઠોર, નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા, વીંછિયા તાલુકા વિકાસ અધિકારી પી.જી. પરમાર, મામલતદાર સંજયસિંહ અસવાર તેમજ અંકિત પટેલ, અન્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, આ મેળાનો સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન જાહેર જનતા લાભ લઈ શકશે જેમાં વિવિધ રાઇડ્સ, સ્ટોલ, વગેરે તૈયાર કરવામાં આવ્યા છે તેમજ સુરક્ષા, કંટ્રોલ રૂમ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.