ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
આગામી તા. 21 એપ્રિલ 2024ના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય તે માટે અલગ અલગ કમિટીઓને સંકલન કરી જૈનોના તમામ ફીરકાઓને સાથે જોડી આ મહોત્સવ ઉજવવા સંપર્કસુત્ર તરીકે એક મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ ગત તા. 3-4 ને બુધવારના રોજ કરવામાં આવ્યો હતો. જાણીતા દાતા અને જૈનશ્રેષ્ઠી જીતુભાઈ બેનાણીના વરદહસ્તે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે જૈનમ્ ટીમના તમામ સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- Advertisement -
એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જૈનમ્ના મધ્યસ્થ કાર્યાલયને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. રંગોળીઓ રચી, ફૂલહાર કરી કાર્યાલયને સજાવવામાં આવ્યું હતું. આ મધ્યસ્થ કાર્યાલયને જાણીતા જીતુભાઈ બેનાણીના હસ્તે રીબીન કાપીને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. નાની બાળા અનાયા પારસભાઈ શેઠના હસ્તે કુમકુમ તિલક દ્વારા ઉદ્ઘાટકને આવકારી કાર્યાલય કમિટીના શૈલેન શાહ અને વંદીત દામાણીએ સાફો પહેરાવી તેમજ હિતેશભાઈ શાહ, નિશાંતભાઈ વોરા દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય ઉદ્ઘાટક જીતુભાઈ બેનાણી, મનીષભાઈ દોશી પણ સાથે જોડાયા હતા. ઉદ્ઘાટન પ્રસંગે જીતુભાઈ કોઠારીએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. સાથે તેમણે જાહેરાત પણ કરી હતી કે આ મહોત્સવના તમામ કાર્યક્રમો ખાસ કરીને ધર્મયાત્રા અને ધર્મસભામાં જૈનશ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી સંપૂર્ણ હાજરી આપવાના છે. આ ઉદ્ઘાટન પ્રસંગને સફળ બનાવવા માટે જૈનમ્ના જીતુભાઈ કોઠારી, જયેશભાઈ વસા, સુજીતભાઈ ઉદાણીના માર્ગદર્શન હેઠળ ચિરાગભાઈ દોશી, હિતેશભાઈ શાહ, ભરતભાઈ કાગદી, ભાવિનભાઈ ઉદાણી, નિશાંતભાઈ વોરા, કૌશિકભાઈ કોઠારી, બ્રિજેશભાઈ મહેતા, શૈલેનભાઈ શાહ, ભવ્યભાઈ વોરા, વંદીતભાઈ દામાણી, પારસભાઈ શેઠએ જહેમત ઉઠાવી હતી.