કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે કાર્યાલયનો પ્રારંભ થશે
સ્વામી રાધારમણ, સ્વામી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકાશે
- Advertisement -
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 15થી 17 ડિસેમ્બર રેસકોર્સ ગ્રાઉન્ડમાં જલકથા યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન તા. 3 ને બુધવારના રોજ સાંજે 8-00 વાગે શહેરના રેસકોર્સ સ્થિત કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે ઉત્સાહપૂર્વક વાતાવરણ વચ્ચે યોજાશે.
કાર્યાલયનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના રાધારમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના દર્પણાનંદજી સ્વામી અને હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના પવિત્ર હસ્તે થશે અને તેઓ જલકથા માટે આશીર્વચન પાઠવશે. આ શુભ પ્રસંગે ગીરગંગા બેન્ડની સૂરાવલિઓ પણ ગુંજી ઉઠશે. ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્ર્વ વિખ્યાત હિન્દી કવિ, તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસ શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવે છે. તેઓ સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના માધ્યમથી ભારતીય મૂલ્યો અને સામાજિક વિષયો પર સ્પષ્ટપણે પોતાના વિચારો રજૂ કરવા માટે વિખ્યાત છે. તેમની કથા જલકથા: અપને અપને શ્યામ કી વિશ્ર્વની પ્રથમ જલકથા છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણની કથા શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વને જોડીને સમાજને જળ સંરક્ષણનો સંદેશ આપશે. આ અનોખી કથા તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે 7થી 12 વાગ્યા દરમિયાન યોજાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સાથે અગ્રણીઓ સર્વે જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, મધ્યસ્થ કાર્યાલયના ઈન્ચાર્જ ભરતભાઈ દોશી, ભાવેશભાઈ સખીયા, મનોજભાઈ કલ્યાણી, ડો. યશવંતભાઈ ગોસ્વામી, આશીષભાઈ વેકરીયા, સંજયભાઈ ટાંક, ગોપાલભાઈ બાલધા, પી. એમ. સખીયા, પ્રકાશભાઈ ભાલાળા, ગીરીશભાઈ દેવડીયા અને કૌશિકભાઈ સરધારા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયે તમામ શ્રોતાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.



