મલ્ટી સ્પેશિયલિસ્ટ હૉસ્પિટલ ઝાલાવાડ પંથક માટે આશીર્વાદ સમાન સાબિત થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળના 25 વર્ષ પૂર્ણ થતા જનમંગલ મહોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તા. 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા જનમંગલ મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. જનમંગલ યાત્રા કથા પૂર્ણાહુતિના પ્રસંગે સંસ્કારધામ ગુરુકુળ દ્વારા નિર્માણ કરાયેલ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ સંસ્કારધામ ગુરુકુળ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તે માત્ર 20 રૂપિયાના નજીવા દરે તમામ રોગોની સારવાર ઉપલબ્ધ કરાવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન હાજરીમાં સંસ્કારધામ ગુરુકુળના મહંત રામકૃષ્ણદાસજી સ્વામીના શુભ હસ્તે હોસ્પિટલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં વિવિધ પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓને નહીવત દરે સારવાર ઉપલબ્ધ કરાશે તેમજ જરૂર જણાય ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ઓપરેશનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. આધુનિક તબીબી સાધનો અને સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ઝાલાવાડ પંથકના નાગરિકો માટે આરોગ્ય, સુખાકારી અને આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મહંત રામકૃષ્ણદાસજી સ્વામીએ પોતાના
પ્રવચનમાં જણાવ્યું હતું. જનમંગલ મહોત્સવના આયોજન દરમિયાન સંસ્કારધામ ગુરુકુળના ભક્તવાત્સલ્ય સ્વામી, નિત્યપ્રકાશ સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી સહિત અનેક સંતો તથા સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.



