ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાયો હતો. જો કે, આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને 8 જેટલા યુવાનોની અટકાયત કરી હતી. જો કે, બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજકોટમાં આજે સાંજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. નારેબાજી કરતા ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેનો અમારો વિરોધ આજનો નથી.
જ્યારથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારથી સમાજ રોષમાં છે. અમે કોઈપણ પ્રશાસન કે રાજકારણીના વિરુદ્ધમાં જતા નથી અને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ નારી અસ્મિતા અંગે જે કાંઈ પણ ટિપ્પણી કરી છે તેની સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે. જેથી તે બેનર સાથે યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે પોલીસે યુવાનોની અટકાયત કરી પરંતુ બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા. અમે ભાજપના મવડીઓ પાસે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી મૂકી હતી. જો કે, તે માંગણી સ્વીકારવામાં આવી નથી. જેથી અમે ઘરે બેસવાના નથી. અમે આ વિરોધને મતદાનની તારીખ સુધી લઈ જશું અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું.
- Advertisement -
ધ્રોલમાં ક્ષત્રિય સમાજ દ્વારા પૂનમ માડમનો વિરોધ
પુનમ માડમે ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા, ક્ષત્રિય સમાજે પ્રતિમા પર દૂધનો અભિષેક કર્યો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના રોડ શો દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો. સાથેજ પૂનમબેન માડમ દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબને ફૂલહાર કર્યા હતા. બાદ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમા પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.
ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. જેમાં ભાજપ કાર્યાલયથી ભરવાડ સમાજની વાડી સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં અવ્યો હતો. તેમ છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.