ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ એથ્લેટિક્સ રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ-બહેનો માટે કુલ 36 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી. યુનિવર્સિટીના કૂલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે આ મહોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
ઉદઘાટન પ્રસંગે કૂલપતિશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં મેદાની રમતોનું મહત્વ ઘણું વધી ગયું છે. રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે, રમતગમતથી શિસ્ત, સાહસ, સંયમ અને ખેલદિલી જેવા ગુણો ખીલે છે. તથા વિદ્યાર્થીઓએ ખડતલ બનવા માટે નાનપણથી જ મેદાની રમતોમાં ભાગ લેવો જોઈએ. વધુ કહ્યું કે, યુનિવર્સિટી આગામી સમયમાં રમત-ગમત માટે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. રમત-ગમત વિભાગના કો-ઓર્ડિનેટર ડો. જયસિંહ ઝાલાએ આઉટડોર રમતોના ફાયદા જણાવતા કહ્યું કે, ટીમવર્ક અને પ્લાનિંગથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ રમતોત્સવમાં ટ્રેક એન્ડ ફિલ્ડ, દોડ, કૂદકો અને ફેંકવાની વિવિધ સ્પર્ધાઓમાં ચારેય જિલ્લાની કોલેજોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના વિવિધ પ્રોફેસરો અને શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ રમતોત્સવ વિદ્યાર્થીઓમાં સામાજિક આંતરક્રિયા અને વ્યક્તિત્વ વિકાસ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.



