વિંછીયામાં રૂ.૨૫ કરોડના ખર્ચે દૂધ પ્રોસેસીંગ યુનિટ બનાવવાનું આયોજન- મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજકોટ- પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ તાલુકાના વડોદ ગામે કિસાન મહિલા મંડળી સંચાલિત બી.એમ.સી દૂધ પ્લાન્ટનો પ્રારંભ કરાવી જણાવ્યું હતું કે, જસદણ અને વીંછિયા તાલુકામાં ઉતરોત્તર દૂધ મંડળીઓની સંખ્યા વધી રહી છે. ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારના સતત પ્રયાસો રહ્યા છે.
- Advertisement -
મંત્રીએ પશુપાલકોને જણાવ્યું હતું કે, દુધાળા પશુઓની સારવાર માટે ફરતા દવાખાનાની સુવિધા ઉપલબ્ધ છે અને ગુજરાતના તમામ ગામમાં ઘરઆંગણે પશુ સારવારની આ સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગે આયોજન કર્યું છે અને તેનો લાભ પશુપાલકોને પશુઓની સારવારમાં મળી રહ્યો છે.
મંત્રીએ વડોદ કિસાન મહિલા મંડળીના પ્રમુખ અને દરેક મહિલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને મંડળીના સંચાલનમાં સક્રિય રહી કામગીરી કરવા અને રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓનો પણ લાભ લેવા જણાવ્યું હતું.
- Advertisement -
મંત્રીએ વિંછીયામાં આગામી સમયમાં રૂપિયા ૨૫ કરોડનાં ખર્ચે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે, તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદ ગામમાં આજે શરૂ થયેલી કિસાન મહિલા મંડળીમાં ૫૫ પશુપાલકો સહકારિતાના ધોરણે જોડાયેલા છે. મંડળીના પ્રમુખ શોભાબેન પ્રવીણભાઈ શિયાળ અને અન્ય સભ્યો મંડળી આગળ જતાં વધુ વિકાસ કરે તે માટે પ્રયત્નશીલ છે. ગામમાં ૩૫૦૦થી વધુ પશુ છે અને મંડળીમાં પ્રારંભે ૨૫૦૦ લિટર દૂધનું કલેક્શન થયું છે.
મંડળીના સભ્યો એ જણાવ્યું હતું કે, ગામમાં જ બીએમસી સેન્ટર બનતા દૂધ આપવા જવા માટે અનુકૂળતા રહેશે. આ ઉપરાંત દૂધના પૂરતા ભાવો પણ મળશે. અંદાજે ૧૪ લાખના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે મંત્રીનું મંડળીના મંત્રી બચુભાઈ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખોડાભાઇ ખસીયા, ગામના સરપંચ હિમંતભાઈ તેમજ કાળુભાઈ અને આસપાસના ગામના સરપંચો, જિલ્લા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.