આધાર-પાનકાર્ડ કઢાવવા માટે દૂર-દૂરથી આવતા લોકોને ધરમનો ધક્કો ખાવો પડે છે
શા માટે કંપની દ્વારા પૂરતો સ્ટાફ નિમવામાં આવતો નથી: લોકોના મનમાં ઉઠ્યા અનેક સવાલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં આધાર કેન્દ્રોમાં સ્ટાફની અછતના કારણે લાંબી લાઈનો લાગી છે ત્યારે ખરા તડકામાં મહાનગરપાલિકાના આધાર કેન્દ્રમાં લાઈનો લાગતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં આધારકાર્ડ કેન્દ્રોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેનું એક માત્ર કારણ છે અપૂરતો સ્ટાફ કે જેના કારણે આધાર-પાનકાર્ડની કામગીરી ધીમી થઈ રહી છે અને અંતે લોકોની સંખ્યા વધી જતાં દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રનો કોન્ટ્રાક્ટ અજમેરા કંપનીને આપવામાં આવ્યો છે. કંપની દ્વારા આધાર કેન્દ્ર પર ઓછામાં ઓછી 20 કર્મચારીઓની નિમણુંક કરવાની હોય છે પરંતુ અહીં તો માત્ર સાત જ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવતાં દૂર દૂરથી આધાર-પાનકાર્ડ કઢાવવા માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અજમેરા કંપની દ્વારા અપૂરતા સ્ટાફને કારણે લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવી
રહ્યો છે.
- Advertisement -
મહત્ત્વનું તો એ છે કે મનપા કમિશનર સહિતના અનેક અધિકારીઓને આધાર કેન્દ્ર પર લાગેલ લાંબી લાઈનો કેમ દેખાતી નથી? અને જો દેખાય છે તો કોઈ નક્કર પગલાં કંપની વિરુદ્ધ કેમ લેવામાં આવતા નથી? તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આમ આધાર કેન્દ્રો પર અપૂરતા સ્ટાફના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
આધાર કેન્દ્રમાં ઓપરેટરે તાળું મારતા લોકોમાં નારાજગી: કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાની ઊચ્ચ કક્ષાએ રજૂઆત
રાજકોટ શહેર કોર્પોરેશનના આધાર કાર્ડ સેન્ટરમાં આજે સવારથી લોકોની ભીડ જોવા મળી હતી, એટલું જ નહીં પરંતુ ઓપરેટર આધારકાર્ડ સેન્ટરમાં તાળુ મારીને જતાં રહેતા 200થી વધુ લોકોને તડકામાં શેકાવાનો વારો આવ્યો હતો ત્યારે આ અંગે કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાને રજૂઆત કરતાં તેઓએ તાત્કાલિક અસરથી ઉચ્ચ કક્ષાએ આ અંગે જાણ કરતા બપોર સુધીમાં આધારકાર્ડ કેન્દ્ર ફરીથી શરૂ કરવાની ખાતરી લોકોને આપી હતી અને આ અંગે જ્યારે ડેલિગેશન રજૂઆત કરવા માટે કોર્પોરેશનના એક અધિકારીને ત્યાં ગયા ત્યારે કોન્ટ્રાક્ટરને મહેમાનગતિ કરાવી અને તેનો લૂલો બચાવ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાયું હતું. જોકે રણજીત મુંધવા અને નિલેશ ગોહેલ કોર્પોરેશનમાં તાત્કાલિક આધાર કેન્દ્ર શરૂ કરવા રજૂઆત કર્યા બાદ અરજદારોએ આ બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો.