સતત બીજા ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાનું સપનું તૂટ્યું
મીરાબાઈ ચાનૂએ કુલ 199 કીલોગ્રામ વજન ઉંચક્યું – 88 kg સ્નેચ રાઉન્ડ અને 111 kg ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ : 114 kg ઊંચકી ન શકતા થાઈલેન્ડની લિફ્ટર બ્રોન્ઝ જીતી
- Advertisement -
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ દિવસે જ સિલ્વર મેડલ જીતનાર વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ પેરિસ ઓલિમ્પિક્સમાં નિરાશ કર્યા હતા. તે સતત બીજો મેડલ જીતવાથી વંચિત રહી અને સપનું તૂટ્યું.
બુધવારે રાત્રે મીરાબાઈએ કુલ 199 કિલોગ્રામ (સ્નેચમાં 88 કિ.ગ્રા. અને ક્લિન એન્ડ જર્કમાં 111 કિ.ગ્રા.) વજન ઉંચક્યું હતું અને ચોથા ક્રમે રહી હતી. જ્યારે ચીનની ઝીહુઈ 206 (89 અને 117) કિલોગ્રામ વજન ઉંચકીને ઓલિમ્પિક રેકોર્ડ રચવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોમાનિયાની કેમ્બેઈ 205 કિલોગ્રામ (93 અને 112) વજન ઉંચકીને બીજા ક્રમે રહેતા સિલ્વર જીત્યો હતો. જ્યારે થાઈલેન્ડની ખામાબાઉએ 200 કિલોગ્રામ (88 અને 112) વજન સફળતાપૂર્વક ઉંચકીને બ્રોન્ઝ જીત્યો હતો.
મીરાબાઈએ સ્નેચમાં પ્રથમ પ્રયત્નમાં 85 કિલોગ્રામ વજન ઉંચક્યું હતું અને ત્યારબાદ 88 કિલોગ્રામ સાથે બીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ અંતિમ પ્રયાસમાં તેણે 88 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઊંચકતા તેના વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવની બરાબરી કરી હતી. જો કે રોમાનિયાની વેઈટલિફ્ટરે 93 કિલોગ્રામ વજન ઉંચકીને તેના અગાઉના (92) વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવને સુધાર્યો હતો. મીરાબાઈએ કિલન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયાસ 111 કિલોગ્રામ વજન ઊંચક્યો હતું પરંતુ 114 કિલોગ્રામ વજન ઊંચકવામાં બન્ને પ્રયાસ નિષ્ફળ રહેતા તે ચોથા ક્રમે રહી હતી.
- Advertisement -