‘ખાસ-ખબર’ સ્ટીંગ: સામાકાંઠે આયુર્વેદિક સીરપના નામે બેરોકટોક દારૂ નું વેંચાણ
પાનનાં ગલ્લાઓ પર બેરોકટોક વેંચાતા આલ્કોહોલનું દુષણ ક્યારે અટકશે?
- Advertisement -
સ્લિપવેલ હર્બલ પીણામાં બિયરથી પણ વધુ 11 ટકા આલ્કોહોલનું પ્રમાણ
રાજ્યમાં કહેવાતી કડક દારૂબંધી છે, જો કે દારૂના શોખીનો તો કોઈપણ રીતે દારૂ પણ મેળવી લે છે અથવા તો કોઈને કોઈ એવા પીણા કે નશીલી સીરપથી નશો કરી લે છે. લોકો નશો કરવા માટે અવનવા કિમીયા અજમાવે છે ત્યારે હાલ યુવાનો સીરપનો ઉપયોગ પણ એક નશીલા પીણાં તરીકે કરી રહ્યા છે. ત્યારે રાજકોટના સંત કબીર રોડ પક આવેલી વિવેક સાગર નામની દુકાનમાં હર્બલ પીણાના નામે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેના યુવાનો એક નશીલા પદાર્થ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ખાસ ખબરની ટીમે વિવેક સાગર પાનના ગલ્લાનું સ્ટિંગ ઓપરેશન કરી 11 ટકા જેટલા આલ્કોહોલ સાથે સ્લિપ વેલ નામે વેચાતી હર્બલ પીણા કમ દારૂનો પર્દાફાશ કર્યો છે. ‘ખાસ-ખબર’ના સ્ટિંગ ઓપરેશનમાં જોવા મળે છે કે, રાજકોટના સંત કબીર રોડ આવેલા વિવેક સાગર પાનના ગલ્લા પર આ સ્લિપ વેલ હર્બલ પીણાના નામે નર્યો દારૂ સરળતાથી મળી રહે છે. આ પીણાની જો વાત કરીએ તો તેમાં 11 ટકા જેટલો આલ્કોહોલ આવે છે કે જે બિયર કરતાં પણ 3 ટકા વધુ છે. આ આલ્કોહોલિક પીણામાં સર્પગંધા, જવ સહિતનો ભાગ આવે છે.
આયુર્વેદીક સીરપ છે તો પાનના ગલ્લા પર કેમ?
જો આ સ્લિપ વેલ હર્બલ પીણું આયુર્વેદીક સીરપનાં રૂપમાં વપરાય છે તો સવાલ એ છે કે આ સીરપ પાનના ગલ્લા પર વેંચી શકાય? અને જો દારૂ છે તો ગુજરાતમાં તો દારૂબંધી છે.
- Advertisement -
શું આ કહેવાતી આયુર્વેદીક સીરપ દારૂનો ઓપ્શન બની શકે છે?
આ સવાલનો જવાબ ખુદ બોટલ પર આપેલા પ્રિસ્ક્રિપ્શન પરથી મળી જાય છે. સ્લિપ વેલની બોટલમાં ભરેલો છે 11 ટકા દારૂ. જે બિયરની એક બોટલથી પણ વધુ છે. રાજ્યમાં આવી અનેક આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચાય છે. આ તમામ પ્રોડક્ટમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું વેંચાઈ રહ્યું છે અને નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.
વિવેકસાગર પાનનાં સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જોવા અહીં ક્લિક કરો…


