ડેમ સીમ વિસ્તારમાં ફરી એકવાર 11 કેવી વીજ લાઈન તૂટી, જૂના તાર બદલવાની ખેડૂતોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પંથકમાં ચાલુ વીજ તાર તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. થોડા સમય પહેલાં મેવાસા ફીડર અને જેટકોની 400 કેવીની હેવી લાઈનના તાર તૂટ્યા બાદ ફરી એકવાર વીરપુરના ડેમ સિમ વિસ્તારમાં પ્રેમગઢ વીજ ફીડર હેઠળ આવતી 11 કેવી (કિલોવોલ્ટ) વીજ લાઈન તૂટી પડતાં ખેડૂતોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવને કારણે પીજીવીસીએલની જાળવણી અને સુરક્ષાની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હાઈ-ટેન્શન લાઈન તૂટીને નીચે પડી હતી. લાઈન તૂટતાં જ જોરદાર કડાકો થયો અને તણખા ઝરતાં ખેડૂતો સમયસર દૂર ખસી ગયા હતા. તાત્કાલિક વીજળી વિભાગને જાણ કરવામાં આવતાં પુરવઠો બંધ કરી દેવાયો હતો અને સમારકામ હાથ ધરાયું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વીજળીના તાર ઘણા વર્ષો જૂના અને નબળા થઈ ગયા છે. આ જ કારણોસર વારંવાર લાઈન તૂટવાની ઘટનાઓ બને છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તાજેતરમાં જ જામ ખંભાળિયા પંથકમાં સોનારડી ગામે ચાલુ વીજ તાર પડતાં બે ખેડૂતોના મોત થયા હતા, ત્યારે વીરપુરમાં પણ આ ત્રીજી ઘટના બનતા ખેડૂતો ભયભીત છે. તેમણે વહેલી તકે નવા વીજ તાર નાખવા અને નિયમિત નિરીક્ષણ કરી સુરક્ષાના પગલાં વધારવા માટે વીજ વિભાગને અપીલ કરી છે. આ ઘટના ફરી એકવાર વીજ સુરક્ષાના મુદ્દાને ઉજાગર કરે છે, જેના પર તંત્રએ તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.