કૃષ્ણનગર ફીડરમાં બે વર્ષોથી બે-બે કલાક વીજળીના ફાંફા: ખેડૂતો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના વાંકીયા ગામના ખેડૂતોએ વીજળીના ધાંધીયાથી કંટાળીને ચરાડવા પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો ત્યારે ખેડુતોએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર ફીડરમાં છેલ્લા બે વર્ષથી વીજળીના ધાંધીયા છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર રીપેરીંગ કરતું નથી જેથી કરીને આશરે ત્રણ હજાર વીઘાથી વધુ જમીનમાં પાક મુરઝાઈ રહ્યો છે.
- Advertisement -
હળવદના વિવિધ વિસ્તારોમાં લાઈટો આવી તેને ત્રણ દાયકાઓથી વધુ સમય વિતી ગયો છે અને છેલ્લા વર્ષોથી વીજળીની જરૂરિયાત મુજબ રીપેરીંગ કરવામાં આવતું નથી જેને કારણે છાશવારે વીજળીનો પ્રશ્ન ઊભો થાય છે અને રીપેરીંગ કરવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે ત્યારે વાંકીયા ગામની સીમમાંથી પસાર થતા કૃષ્ણનગર ફીડરમાં છેલ્લા બે વર્ષથી વીજળીના ધાંધીયા છે જેને પગલે અવારનવાર ખેડૂતોએ પીજીવીસીએલ તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ નિંભર તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ નિવડતા ફરી એકવાર રજૂઆત કરવા ચરાડવા પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતો ઉમટી પડયા હતા અને ચરાડવા પીજીવીસીએલ તંત્ર ખેડૂતોને સાંભળતું નહીં હોવાથી વાંકીયા, સમલી અને ચરાડવા ગામના આશરે 30 થી વધુ ખેડૂતોએ કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવીને સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ ખેડૂતોને કૃષ્ણનગર ફીડરમાંથી વીજળી આપવામાં આવે છે પરંતુ અનિયમિતતાના પગલે ખેડૂતોની આશરે ત્રણ હજાર વીઘા જમીનમાં પાક મુરઝાઈ રહ્યો છે. આ અંગે ચરાડવા પીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર એ.પી.પનારાએ જણાવ્યું હતું કે, સર્વે કરીને વહેલી તકે ખેડૂતોને વીજળી આપવામાં આવશે.