ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્ય પોલીસની મેગા ડ્રાઈવ
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામનો નબીરો 140થી વધુ કિ.મી.ની ઝડપે જેગુઆર કાર લઇને નીકળ્યો અને મોતનો તાંડવ કર્યો હતો. અકસ્માત જોવા ઉભેલા લોકોને કચડ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયાં હતા. ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ રાજ્યનો પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. 22 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેગા ડ્રાઈવ હાથ ધરવાના આદેશ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યા બાદ છેલ્લા બે દિવસ એટલે કે 22 અને 23 જુલાઈના રોજ રાજ્યમાં ઓવર સ્પીડના 1869 કેસ, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 358 અને ભયજનક ડ્રાઇવિંગના 512 કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડના સૌથી વધુ કેસ સુરત શહેરમાં 710, ડ્રીંક એન્ડ ડ્રાઈવના 57 કેસ વલસાડ અને ભયજનક ડ્રાઇવિંગના સૌથી વધુ 80 કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધી દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
4 મોટા શહેરમાં સૌથી વધુ કેસ સુરતમાં
અમદાવાદ, સુરત, વડદોરા અને રાજકોટ શહેરમાં પોલીસ ડ્રાઈવની વાત કરવામાં આવે તો ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ભયજનક ડ્રાઈવિંગના કેસ સૌથી વધુ સુરતમાં નોંધાયા છે. સુરતમાં આ પ્રકારનાં કુલ 763 કેસ નોંધાયા છે.
જિલ્લાવાર ક્યાં નોંધાયા કેટલા કેસ ?
જિલ્લાવાર પોલીસ દ્વારા ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ભયજનક ડ્રાઈવિંગના નોંધવામાં આવેલા કેસોની વિગત પર નજર ફેરવીએ તો આણંદ જિલ્લામાં ઓવર સ્પીડના સૌથી વધુ 245 કેસ, વલસાડ જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ 57 કેસ અને ભયજનક ડ્રાઈવિંગના સૌથી વધુ કેસ 80 કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયા છે.
તમામ ડોક્યૂમેન્ટ હોય તો જ નિકળજો
જો તમે પણ લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ વગર વાહન ચલાવતા હોવ તો ખાસ ધ્યાન રાખજો. રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો ફરજીયાત દંડ ભરવો પડશે. આ માટે કોઈની ભલામણ ચાલશે નહીં. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે રાજ્યના ડીજીપીએ ખાસ આદેશ આપ્યો છે. આ દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા હતા.