જૈન ધર્મનો અર્થ એટલે વિજેતાનો માર્ગ છે, જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવો છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિધ્ધાચલની પવિત્ર ભૂમિ પાલીતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ- ધર્મસભા યોજાઈ હતી. પાલીતાણાના જૈન ઉપાશ્રય નીલમવિહાર (કસ્તુરબાધામ)માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત વિજયરત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય ભગવંત ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજનું ગુરુપૂજન કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય ભગવંત અને જૈન શ્રેષ્ઠિઓ દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરીને આશીર્વચન પાઠવવામાં આવ્યાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ વખત શેત્રુંજ્ય તીર્થક્ષેત્રમાં આવવાનું સૌભાગ્ય પોતાને મળ્યું છે. તેમણે કહ્યું કે, જૈન ધર્મનો અર્થ એટલે વિજેતાનો માર્ગ છે, જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવો છે. તેમણે ઉમેર્યું કે, ક્ષમા માંગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય છે.
- Advertisement -
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલાં પર્યાવરણની જાળવણી વાત કરી હતી. તેમણે પાણીને ઘી ની જેમ વાપરવાની સલાહ આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કેચ ધ રેઇન” સંકલ્પ આપીને વરસાદના ટીપે- ટીપા પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ કરી શકાય તે અંગેનો ખ્યાલ વ્યક્ત કર્યો છે. પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અભ્યર્થના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે આચાર્ય ભગવંત વિજયરત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. જેથી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે. આ ઉપરાંત આચાર્ય ભગવંત ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂજ્ય આચાર્ય ભગવંત સાથે વિચારગોષ્ઠિ, ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા. છ’રી પાલિત સંઘ આયોજક આદિ વીર પરિવાર, વિરબાળાબેન નવીનચંદ્ર પરીખ પરિવાર, રાકેશભાઈ ધ્રુવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપધાન તપ આયોજક વીર સૌભાગ્ય પરિવાર વીરાબેન સૌભાગચંદ અંગારા પરિવાર (ધાનેરા) (હિંમતભાઈ આદી) ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિકારી હર્ષદ પટેલ સહિત આગેવાનો તથા જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે.આ હેતુસર મુખ્યમંત્રી સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નોના નિવારણ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને આગળ ધપાવતા બુધવારે તા. 18 ડિસેમ્બરે પાલીતાણાના પ્રવાસ કાર્યક્રમ બાદ પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને પાલિકાના સદસ્યો તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાંકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા-સફાઈની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર હાથે સહાય આપવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયા, કલેકટર આર.કે મહેતા, ભાવનગર ખાતેના રીઝીયનલ કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ ડી.એમ. સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.