શિયાળાની ટાઢમાં પરિવારો ખુલ્લા આકાશ નીચે
માત્ર 24 કલાકની નોટિસ આપી ઝૂંપડાં ધ્વસ્ત કરાયા; વિરોધ પક્ષે આ કૃત્યને ‘લોકશાહી પર કાળા કલંક સમાન’ ગણાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલામાં રીવર ફ્રન્ટ પ્રોજેક્ટને આડેધડ આગળ ધપાવવા માટે માનવીય દ્રષ્ટિકોણની ઉપેક્ષા કરીને સ્થાનિક તંત્રએ ગરીબો પર કાળો કેર વર્તાવ્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશ પર પોલીસ બંદોબસ્ત સાથે ગરીબ પરિવારોના ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્ર દ્વારા માત્ર 24 કલાકની નોટિસ ફટકારીને આશરે ઝૂંપડાં હટાવવાની કામગીરી કરાતા, શિયાળાની કડકડતી ઠંડીમાં લાચાર પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. વૃદ્ધોના હૈયાફાટ રૂદન અને બાળકોના નિર્દોષ સવાલો વચ્ચે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કે વળતરની કોઈ જોગવાઈ કરાઈ ન હતી. વિરોધ પક્ષના નેતાગણે આ કૃત્યને ઘોર નિંદનીય અને લોકશાહી પર કાળા કલંક સમાન ગણાવ્યું છે. આ ઘટનાને ગરીબો માટે પ્રાણઘાતક ગણાવતા, અસરગ્રસ્ત પરિવારો હવે સંગઠિત થઈને ઉગ્ર લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે.



