ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બહુમતી ધારાસભ્યો પોતાની સાથે નહીં હોવાનો અહેવાસ થઈ ગયા બાદ રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવા રાજ્યપાલને ભલામણ કરવાનો નિર્ણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, ઉદ્ધવ સરકાર લઘુમતીમાં હોવાથી રાજ્યપાલ તેમની આ ભલામણ માનવા બંધાયેલા નથી. તેને બદલે રાજ્યપાલ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.
એક મહત્વના ઘટનાક્રમ રૂપે શિવસેનાના સંસદસભ્ય અને આઘાડી સરકારના આર્કિટેક્ટમાંના એક સંજય રાઉતે ટ્વિટર પર સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે સરકાર વિધાનસભા વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે. હાલની રાજકીય ઉથલપાથલ આપણને વિધાનસભા વિસર્જન તરફ દોરી જઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, પર્યાવરણ પ્રધાન અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પોતાના ટ્વિટર બાયોમાંથી કેબિનેટ પ્રધાન હોવાનો ઉલ્લેખ હટાવી લઈ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેનો અર્થ એ કે ઠાકરે પરિવારે સત્તા બચાવવા કોઈપણ પ્રચાસ કરવાને બદલે ગાદી છોડી દેવાનો ફેંસલો કરી દીધો છે.
ધારાસભ્યો સાથે એકનાથ શિંદે ગુવાહાટી પહોંચ્યા
હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોરોનાને કારણે હોસ્પિટલમાં છે. ગોવાના રાજ્યપાલ પાસે ચાર્જ છે. ઉદ્ધવ સરકાર રાજીનામું આપી દે તે પછી તે લઘુમતીમાં હોવાથી તેની ભલામણ બાંધવા રાજ્યપાલ બંધાયેલા નથી. તેઓ રાજ્યમાં નવી સરકાર રચવાના વિવિધ વિકલ્પો અજમાવી શકે છે. તેઓ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે. ભાજપ શિવસેનાના બળવાખોર શિંદે જૂથના ટેકા સાથેના પત્રો રજૂ કરી સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.
આઘાડીનાં બીજા બે મહત્વના ઘટકો એનસીપી અને કોંગ્રેસ શું ભુમિકા અપનાવે છે તે પણ મહત્વનું બનશે. એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે તેમના ઘરે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ નિયુક્ત કરેલા નિરીક્ષક કમલનાથે બેઠક યોજી હતી. તેમાં તેમણે નવી ચૂંટણીઓ પર જોર આપવા કે પછી વિપક્ષમાં બેસવાની વ્યૂહરચના વિચારી હોય તેવું બની શકે છે.
- Advertisement -
એકનાથ શિંદે આજે રાજ્યપાલને મોકલશે 40 ધારાસભ્યોના ટેકાનો પત્ર
બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્ર દ્વારા તેઓ લગભગ 40 વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો નિર્ણય લેશે.
આ નિર્ણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે.
એક થા કપટી રાજા’… ફડણવીસની પત્નીએ ટ્વિટ કરી ડિલીટ કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ટ્વિટ કરીને ઉદ્રવ ઠાકોરે પર કટાક્ષ કર્યો છે. અમૃતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ’એક થા કપટી રાજા’. જોકે તેમણે બાદમાં ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જેને ઉદ્રવ ઠાકોરે ઉપર પ્રહારના સ્વરૂપમાં જોઈ શકાય છે. ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર (કોંગ્રેસ અને એનસીપી સાથે) મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 21 ધારાસભ્યોએ ભાજપ શાસિત ગુજરાતમાં ધામા નાખ્યા બાદ સંકટમાં હોવાનું જણાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે મુખ્યમંત્રી સાથે ફોન પર માંગ કરી છે કે, શિવસેના ભાજપ સાથે પોતાનું ગઠબંધન કરે અને રાજ્યમાં શાસન ચાલુ રાખે. ઠાકરેએ તેમને પોતાના પગલા પર પુનર્વિચાર કરવા અને પરત ફરવાનું કહ્યું છે.
શિંદે દાવો કર્યો છે કે, અત્યાર સુધી તેમણે કોઈ નિર્ણય લીધો નથી અને કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી. સાથે જ તેમણે પાર્ટીના ભલા માટે આ પગલું ભર્યું છે. શિવસેનાના બે નેતાઓએ નારાજ શિંદે સાથે હોટલમાં 2 કલાક સુધી મુલાકાત કરી હતી. સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, પાર્ટી શિંદે સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.
મોડી રાત સુધી પાટીલના વિશ્ર્વાસુના હોટલમાં ધામા
ખાસ-ખબર સંવાદદાતા
સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકાર માટે ઓપરેશન કમળને ગુજરાત ભાજપે સફળ બનાવ્યું છે. આ ઓપરેશન સફળ બનાવવા તથા ગુપ્તતા રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરતમાં તેમના વિશ્વાસુને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે યોગનો કાર્યક્રમ પુરો કર્યા બાદ સી.આર. પાટીલના નજીકના પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ શિવસેનાના ધારાસભ્યો રોકાયા હતા તે હોટલમાં ધામા નાખ્યા હતા.
શરૂઆતમાં ભાજપે ભલે આ ઓપરેશનથી હાથ ઉંચા કર્યા હતા પરંતુ સોમવારે મોડી રાત્રે અને મંગળવારે વહેલી સવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હોટલમાં હાજરી ઘણું બધું કહી જતી હતી.
સુરતના એરપોર્ટ આઈકોનીક રોડ ખાતે પાલિકાનો યોગનો મહત્વનો કાર્યક્રમ હતો તેમાં સુરત પાલિકાના શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને નગર સેવક દિનેશ પુરોહિત હતા.
યોગ કાર્યક્રમ શરૂ થયો અને થોડી જ વારમાં આ નેતાઓ યોગ સ્થળેથી નિકળી ગયા હતા.